પશ્ચિમ બંગાળમાં અઘોષિત ઇમર્જન્સી અને રાષ્ટ્રપતિ શાસન જેવી સ્થિતિઃ CM મમતા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જીએ SIR  જેવી જ રીતે ચૂંટણી પંચની કામગીરીને એક સુનિયોજિત કાવતરાનો ભાગ ગણાવી છે અને તેને અસ્થિરતા, ગેરસમજ અને અયોગ્યતા તરીકે વર્ણવી છે. તેમના મત મુજબ આ બધાનો હેતુ સંસ્થાઓ મારફતે પશ્ચિમ બંગાળને નિયંત્રિત કરવાનો છે.

તેમનો દાવો છે કે ચૂંટણીના સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે એ પહેલાં જ મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી, એડીજી, આઈજી, ડીઆઈજી, જિલ્લા કલેક્ટર અને એસપી સહિત 50થી વધુ વરિષ્ઠ અધિકારીઓને એકતરફી અને મનસ્વી રીતે હટાવી દેવામાં આવ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે લોકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયેલો ભાજપ હવે દબાણ, ભય અને સંસ્થાઓના દુરુપયોગ દ્વારા પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

 મમતાએ ચૂંટણી પંચને લખ્યો પત્ર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં ટોચના બ્યુરોક્રેટ્સ અને IPS અધિકારીઓના અચાનક ટ્રાન્સફર મુદ્દે ચૂંટણી પંચની ટીકા કર્યા બાદ મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી પંચ જ્ઞાનેશકુમારને પત્ર લખીને ECIના કાર્ય પ્રત્યે ગંભીર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરને લખાયેલા પોતાના આઠમા પત્રમાં બેનર્જીએ આરોપ લગાવ્યો કે પંચે શિસ્ત અને બંધારણીય મર્યાદાની તમામ હદો પાર કરી દીધી છે.

મુખ્યમંત્રીએ SIR પ્રક્રિયા શરૂ થયા પછીથી ચૂંટણી આયોગ પર પક્ષપાતપૂર્ણ વલણ અપનાવવાનો અને રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અવગણવાનો આરોપ મૂકતાં. લખ્યું હતું કે ચૂંટણી પંચના કાર્યથી હું સ્તબ્ધ છું. મારા મત મુજબ આ વર્તન શાલિનતા અને બંધારણીય યોગ્યતાની તમામ મર્યાદાઓ પાર કરે છે. પંચે સ્પષ્ટપણે પક્ષપાતપૂર્ણ વલણ અપનાવ્યું છે અને જમીન સ્તરની હકીકતો અથવા જનકલ્યાણની કોઈ ચિંતા દેખાતી નથી.

હવે ચૂંટણીની જાહેરાત પછી એ જ પંચ પશ્ચિમ બંગાળની બ્યુરોક્રસીનું પણ ‘SIR’ કરી રહ્યો છે, એટલે કે કેટલાક અધિકારીઓના બદલી આદેશ આપી રહ્યો છે, જેથી ચૂંટણી નિષ્પક્ષ અને હિંસામુક્ત રીતે યોજી શકાય. મમતા બેનર્જીને પહેલું SIR પણ પસંદ આવ્યું નહોતું અને હવે બીજું પણ પસંદ આવી રહ્યું નથી. વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ચૂંટણી પંચ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ચૂંટણીની જાહેરાત પછી હવે આ લડતનો બીજો અધ્યાય શરૂ થયો છે. અધિકારીઓના બદલી મુદ્દે મમતા બેનર્જીએ ચૂંટણી પંચને નવો પત્ર લખ્યો છે અને આ સ્થિતિને ‘અઘોષિત ઇમર્જન્સી’ તેમ જ ‘રાષ્ટ્રપતિ શાસન જેવી પરિસ્થિતિ’ સાથે સરખાવી છે.