ન્યૂયોર્કમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81 મા સત્રને સંબોધિત કરતા ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે વૈશ્વિક શાંતિ અને સુરક્ષાના મુદ્દે ભારતનો મક્કમ અવાજ રજૂ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આજના સમયમાં સંઘર્ષ અને ટકરાવ સમગ્ર વિશ્વ માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના વિશ્વમાં શાંતિ જાળવવા માટે થઈ હતી, પરંતુ શાંતિ જાળવવામાં નિષ્ફળતા માત્ર સુરક્ષાને જ નહીં પરંતુ વૈશ્વિક વિકાસને પણ પાછળ ધકેલે છે.
Delivering 🇮🇳’s statement at the 81st session of the @UN General Assembly. #UNGA81 https://t.co/IcMcmTNNAc
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 26, 2026
પાકિસ્તાન પર નામ લીધા વગર સખત પ્રહાર3
પોતાના સંબોધનમાં આતંકવાદ સામે ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિને દોહરાવતા જયશંકરે નામ લીધા વિના પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ગઈકાલે સતત આતંકવાદને પ્રોત્સાહન આપનારા એક દેશે તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિશ્વએ સમજવું પડશે કે આતંકવાદ અને સદ્ભાવના ક્યારેય સાથે ચાલી શકે નહીં. આતંકવાદ ફેલાવનારાઓએ પોતાનું વલણ બદલવું જ પડશે. ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ ધરાવે છે અને તેનો હંમેશાં મોંતોડ જવાબ આપતો રહેશે.
યુક્રેન યુદ્ધ અને કોમર્શિયલ શિપિંગ પર ચિંતા
યુક્રેન સંઘર્ષનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ યુદ્ધ હવે 5 મા વર્ષમાં પ્રવેશ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોને ટાંકતા તેમણે કહ્યું કે હવે આ અંતહીન યુદ્ધનો અંત આવવો જ જોઈએ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર કોમર્શિયલ શિપિંગ અને દરિયાઈ કર્મચારીઓ પર થઈ રહેલા હુમલાઓને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવતા તેમણે તમામ પક્ષોને સંયમ વર્તવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
ગ્લોબલ સાઉથ માટે ‘4F’ કટોકટી અને પશ્ચિમ એશિયાનો ઉકેલ
વિદેશ મંત્રીએ ગ્લોબલ સાઉથના દેશોની આર્થિક સ્થિતિ પર પ્રકાશ પાડતા કહ્યું કે આ દેશો હાલમાં ‘4F’ કટોકટીનો સામનો કરી રહ્યા છે, એટલે કે ફૂડ (ભોજન), ફ્યુઅલ (બળતણ), ફર્ટિલાઇઝર (ખાતર) અને ફાઇનાન્સ (નાણાકીય સુરક્ષા) ની ભારે અછત. જ્યારે પશ્ચિમ એશિયા (ગાઝા-ઈઝરાયેલ વિવાદ) અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત ફિલિસ્તિનના લોકોને સતત માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે અને આ વિસ્તારમાં કાયમી શાંતિ માટે ‘ટૂ-સ્ટેટ સોલ્યુશન’ (બે-રાષ્ટ્ર ઉકેલ) જ એકમાત્ર યોગ્ય માર્ગ છે. તેમણે ઉમેર્યું કે શાંતિનો અર્થ માત્ર યુદ્ધનો અંત નથી, પરંતુ સ્થિરતા, સુરક્ષા અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું પણ એટલું જ જરૂરી છે.



