સીમાંકન અને મહિલા અનામત બિલમાં સુધારાને લીલી ઝંડી, લોકસભા બેઠકોમાં ૫૦%નો વધારો

નવી દિલ્હી: સંસદના આગામી વિશેષ સત્ર પૂર્વે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સીમાંકન (Delimitation) અને મહિલા અનામત કાયદા સંબંધિત મહત્વપૂર્ણ બંધારણીય સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે. આ નવા પ્રસ્તાવ મુજબ, દેશના તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોમાં એકસમાન ૫૦ ટકાનો વધારો કરવામાં આવશે, જેનાથી કોઈ પણ રાજ્યનું સંસદીય પ્રતિનિધિત્વ ઘટશે નહીં.

બેઠકોની ફાળવણી ૨૦૫૧ સુધી યથાવત્ રહેશે

દક્ષિણ ભારતના રાજ્યો દ્વારા વસ્તી આધારિત સીમાંકનને કારણે તેમની બેઠકો ઘટવાની વ્યક્ત કરાયેલી ચિંતાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુધારેલા બિલની જોગવાઈઓ અનુસાર, તમામ રાજ્યોની વર્તમાન બેઠકોમાં એકસમાન ૫૦%નો વધારો થવાથી ગૃહમાં દરેક રાજ્યનો વર્તમાન હિસ્સો અને સંતુલન જળવાઈ રહેશે. આ ઉપરાંત, નવી બેઠક ફાળવણી આગામી ૨૫ વર્ષ એટલે કે વર્ષ ૨૦૫૧ સુધી સ્થિર (Freeze) રાખવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

મહિલા અનામતનો અમલ ઝડપી બનશે

વર્ષ ૨૦૨૩માં પસાર થયેલા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તેનો અમલ વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા સાથે જોડાયેલો હતો. સરકારનો ઉદ્દેશ્ય આ પ્રક્રિયાને સરળ બનાવીને વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલાં જ મહિલા અનામતનો અમલ સુનિશ્ચિત કરવાનો છે.

૩૦ નવેમ્બરથી સંસદનું વિશેષ સત્ર

અગાઉ એપ્રિલ ૨૦૨૬માં સરકાર દ્વારા આ સંબંધિત બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે તે પસાર થઈ શક્યું ન હતું. હવે આગામી ૩૦ નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્રમાં સરકાર આ સુધારેલું બિલ રજૂ કરશે. તમામ રાજ્યોની બેઠકોમાં એકસમાન વધારાની જોગવાઈને કારણે કેટલાક પ્રાદેશિક પક્ષો પણ આ બિલને સમર્થન આપે તેવી શક્યતા છે, જ્યારે વિપક્ષી ગઠબંધન ‘INDIA’ દ્વારા આ મુદ્દે રણનીતિ ઘડવા માટે બેઠક બોલાવવામાં આવી છે.