રાજકોટ: ગુજરાતમાં ગણપતિ મહોત્સવની ધૂમ છે ત્યારે રાજકોટમાં એક અનોખા ગણપતિ મહોત્સવની ઉજવણીએ ભાવિકોનું દિલ જીત્યું છે. ગણેશજીના ઉત્સવમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાંજે એક ક્લિક થતા જ રોબોટ દાદાની આરતી ઉતારે છે.
રાજકોટના નાના મવા એરિયામાં શ્રીનાથજી હવેલીના ગ્રાઉન્ડમાં સ્પીડવેલ ચોક કા રાજા..ગણપતિ મહોત્સવની ઉજવણીમાં સફેદ હેવનની થીમથી આકાશી ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ સ્થળે આયોજકોએ પહેલીવાર ટેક્નોલોજીનો નવો પ્રયોગ કરી રોબોટ તૈયાર કર્યો છે. ગણપતિની 7 ફૂટ ઊંચી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ સામે બે રોબોટ બનાવ્યા છે. એક રોબોટ ક્લિક સાથે આરતીના રણકાર સાથે બેલ વગાડે છે અને બીજો રોબોટ હાથમાં દીવા સાથે આરતી ઉતારે છે. લોકો આ દ્રશ્ય જોવા ઉમટી પડે છે.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ એરિયા વિકસિત છે. આ સ્થળે ગણપતિ ઉત્સવમાં આયોજકોએ ભાવિકોને બેસવા માટે ખુરશી અને ગાદલાની વ્યવસ્થા કરી છે. પ્રસાદ આપવામાં આવે છે. રાત્રે 9 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે. રાજકોટમાં રોબોટનો ઉપયોગ પહેલીવાર ગણપતિ ઉત્સવમાં જોવા મળતા લોકોમાં કુતુહલ જોવા મળે છે.. ભક્તિનો આ અનોખો રંગ છે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસ્વીરો- નિશુ કાચા)




