અમદાવાદ: એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યના હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એકતરફ મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
40 ડિગ્રીથી વધુ તાપમાન અને ડિસકમ્ફર્ટ કન્ડિશન
હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાનો નથી. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે 18મી એપ્રિલ સુધી લોકોએ ભારે ઉકળાટનો સામનો કરવો પડશે. 15મી એપ્રિલની રાતથી પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં એક નવું નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેની અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળશે.
કયા વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ?
હવામાન વિભાગ અનુસાર 19મી એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 20મી એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે.




