UPના સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસનું એલાન

લખનૌઃ ઉત્તર પ્રદેશના સરકારી કર્મચારીઓને CM યોગી આદિત્યનાથે દીપાવલીના અવસર પર રાજ્ય સરકારના કર્મચારીઓને બોનસનું એલાન કર્યું છે. CMએ કહ્યું હતું કે આ નિર્ણય કર્મચારીઓની મહેનત અને નિષ્ઠા પ્રત્યે રાજ્ય સરકારના આભારનું પ્રતીક છે. રાજ્યની પ્રગતિમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને સરકાર તેમના કલ્યાણ માટે દરેક સ્તરે પ્રતિબદ્ધ છે.

તેમણે આપેલાં સૂચનાને આધારે નાણાં વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે બોનસની મંજૂરી આપી છે. આ બોનસ માસિક પગારની મહત્તમ મર્યાદા રૂ. 7000ને આધારે 30 દિવસની ગણતરીથી આપવામાં આવશે, જેથી દરેક પાત્ર કર્મચારીને રૂ. 6908નો લાભ મળશે.

આ કર્મચારીઓને મળશે બોનસ

પ્રાપ્ત માહિતી મુજબ દીપાવલી પહેલાં કર્મચારીઓને બોનસ આપવામાં આવશે. પગાર મેટ્રિક્સ લેવલ 8 (રૂ. 47,600-રૂ 1,51,100) સુધીના કર્મચારીઓને બોનસનો લાભ મળશે. એટલે કે જેમનો માસિક પગાર રૂ. 47,000થી રૂ. 1.5 લાખની વચ્ચે છે, તેમને આનો લાભ મળશે. રાજ્યની સહાયથી ચાલતા શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના કર્મચારીઓને પણ આ લાભ મળશે.

CMએ અધિકારીઓને સૂચના આપી છે કે બોનસનું ચુકવણું સમયસર થાય. આ ચુકવણી દીપાવલી પહેલાં એટલે કે ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં કરવામાં આવશે એવી શક્યતા છે, જેથી કર્મચારીઓને તહેવારની મોસમ માટે વધારાનો નાણાકીય સહારો મળી રહે. CMએ લીધેલા આ નિર્ણયથી શાસન-પ્રશાસનમાં નવી ઊર્જા અને દીપાવલી પર ઉત્સાહ બમણો થઈ ગયો છે. સરકાર કર્મચારીઓની નિષ્ઠા અને યોગદાનનું સન્માન કરી રહી છે.