યુપી ચૂંટણી 2027: અસદુદ્દીન ઓવેસી અને ચંદ્રશેખર આઝાદ વચ્ચે ગઠબંધન

લખનઉ: ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટું રાજકીય સમીકરણ સામે આવ્યું છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવેસી અને આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે હાથ મિલાવ્યા છે. બંને પક્ષોએ મળીને ‘સામાજિક પરિવર્તન મોર્ચા’ (SPM)ના નામે નવા ગઠબંધનની જાહેરાત કરી છે.

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરતા ઓવેસીએ જણાવ્યું હતું કે આ મોરચો યુપીમાં ભાજપને ત્રીજી વખત સત્તામાં આવતા અટકાવવા માટે એક મજબૂત રાજકીય વિકલ્પ પૂરો પાડશે. આ ગઠબંધન હેઠળ આગામી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની તમામ 403 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ગઠબંધન દ્વારા ચંદ્રશેખર આઝાદને મુખ્યમંત્રી પદના ચહેરા (CM Face) તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ચંદ્રશેખર આઝાદે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ માત્ર કોઈ ‘ત્રીજો મોર્ચો’ નથી, પરંતુ દલિતો, વંચિતો, શોષિતો અને લઘુમતીઓના અધિકારો અને સામાજિક પરિવર્તન માટેની લડાઈ છે. રાજકીય વિશ્લેષકોના મતે, દલિત અને મુસ્લિમ મતદાતાઓને એક મંચ પર લાવવાના આ પ્રયાસથી યુપીના રાજકારણમાં નવું સમીકરણ રચાવાની સંભાવના છે.