UP ચૂંટણીઃ શું માયાવતી, ચંદ્રશેખર અને ઓવૈસી વચ્ચે ગઠબંધન થશે?

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં કોઈ મોટું રાજકીય સમીકરણ રચાવાની શક્યતા છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના તાજેતરનાં નિવેદનોએ રાજકીય વર્તુળોમાં અનેક અટકળોને જન્મ આપ્યો છે. રાજકીય વિશ્લેષકો હવે એ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું ઓવૈસીની પાર્ટી, માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન શક્ય બની શકે?

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી હવે થોડા જ મહિનાઓ દૂર છે અને તમામ રાજકીય પક્ષોએ પોતાનો જનાધાર મજબૂત કરવાની કવાયત તેજ કરી દીધી છે. આ પરિસ્થિતિમાં ઓવૈસીનો તાજેતરનો ઉત્તર પ્રદેશ પ્રવાસ અને તેમનાં નિવેદનો નવી રાજકીય ચર્ચાનો વિષય બન્યા છે. ખાસ કરીને તેમનું નિવેદન કે “હવે દરી પાથરવાનું રાજકારણ નહીં ચાલે, પરંતુ ભાગીદારી અને સમાનતાની લડાઈ લડાશે. એ સંકેત આપે છે કે તેઓ માત્ર ચૂંટણીમાં હાજરી નોંધાવવા નહીં, પરંતુ સત્તામાં વાસ્તવિક ભાગીદારી મેળવવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે.

બહરાઈચ જિલ્લાના મટેરા ખાતે યોજાયેલી જનસભામાં ઓવૈસીએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પ્રતિનિધિત્વના મુદ્દાને કેન્દ્રમાં રાખશે. તેમણે એ પણ કહ્યું કે જો કોઈ ભાજપને રોકવા માગતું હોય તો AIMIM સન્માનજનક ભાગીદારી માટે તૈયાર છે. આ નિવેદનને માત્ર રાજકીય સંદેશ તરીકે નહીં, પરંતુ સંભવિત ગઠબંધન તરફના સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. આથી હવે રાજકીય નિષ્ણાતોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું ઉત્તર પ્રદેશમાં દલિત-મુસ્લિમ રાજકીય સમીકરણને નવા સ્વરૂપમાં ગોઠવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? શું ઓવૈસી, BSP પ્રમુખ માયાવતી અને આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખર આઝાદ ભવિષ્યમાં કોઈ સંયુક્ત રાજકીય મંચ પર આવી શકે છે?

સામાજિક ન્યાયનો મુદ્દો

હકીકતમાં, આ ત્રણેય નેતાઓના રાજકારણનું એક સામાન્ય કેન્દ્રબિંદુ છે—પ્રતિનિધિત્વ અને સામાજિક ન્યાયનો પ્રશ્ન. માયાવતી લાંબા સમયથી દલિત રાજકારણનું સૌથી મોટો ચહેરો રહી છે. બીજી તરફ ચંદ્રશેખર આઝાદ યુવા દલિત મતદારો વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. જ્યારે ઓવૈસી સતત મુસ્લિમ રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે.