પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ મેદાનમાં, જાણો કોના માટે ક્યાંથી લડશે ચૂંટણી?

જાણીતા ઉદ્યોગગૃહ રિલાયન્સના પરિમલ નથવાણીના પુત્ર હવે ચૂંટણીના મેદાને ઉતરશે. ધનરાજ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રુપ પ્રેસિડેન્ટ છે અને મુકેશ અંબાણીના વિશ્વાસુ છે. ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીએ ધનરાજ નથવાણીને રાજ્યસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે. 10 બેઠકો માટે 16 ઓક્ટોબરના રોજ મતદાન થશે.

પીએમ મોદી સાથે ધનરાજ નથવાણી (ડાબી બાજુ) અને પરિમલ નથવાણી (જમણી બાજુ)

રાજ્યસભાની આગામી ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ચર્ચાએ જોર પકડ્યું છે. સમાજવાદી પાર્ટીએ તેના બે ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવ અને જાણીતા ઉદ્યોગગૃહ રિલાયન્સ સાથે જોડાયેલા ધનરાજ નથવાણીના નામનો ખુલાસો કર્યો છે. એવા અહેવાલ છે કે સમાજવાદી પાર્ટી થોડા દિવસોમાં ત્રીજો ઉમેદવાર પણ ઉભો કરશે. ધનરાજ નથવાણી રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર છે. કોર્પોરેટ જગતનું જાણીતું નામ ધનરાજ નથવાણી ઉત્તર પ્રદેશમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી લડશે.

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ત્રણ રાજ્યોની કુલ 12 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. તેમાં ઉત્તર પ્રદેશની 10 બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો માટે 16 ઓક્ટોબરે મતદાન યોજાશે, જ્યારે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 6 ઓક્ટોબર છે.

કોણ છે ધનરાજ નથવાણી?

ધનરાજ નથવાણી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પુત્ર છે. પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યસભામાં સતત ચોથી ટર્મ માટે સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. વ્યવસાયિક ક્ષેત્રની વાત કરીએ તો ધનરાજ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત તેઓ રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડમાં ડિરેક્ટર પણ છે.

ધનરાજ નથવાણીના નામની ચર્ચા સાથે હવે ઉત્તર પ્રદેશની રાજ્યસભા ચૂંટણી વધુ રસપ્રદ બની છે. ભાજપ અને સમાજવાદી પાર્ટી બંને તરફથી સંભવિત ઉમેદવારોના નામોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.

હવે સૌની નજર 6 ઓક્ટોબરની ઉમેદવારી પ્રક્રિયા અને ત્યારબાદ 16 ઓક્ટોબરના મતદાન પર રહેશે.