UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાનો નિર્ણય હાલ પૂરતો દિવાળી પછી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. વેપારીઓ સતત સરકાર પાસે UPI પેમેન્ટ પરના ચાર્જના નિર્ણયને ટાળવાની માંગ કરી રહ્યા હતા. અગાઉ આ નિયમ 15 ઓક્ટોબર, 2026થી લાગુ થવાનો હતો.

NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગેની સત્તાવાર માહિતી શેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પસંદગીના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ કરવાનો નિર્ણય દિવાળી પછી સુધી ટાળવામાં આવ્યો છે. આ નિર્ણયથી તહેવારોના સમયે વેપારીઓને મોટી રાહત મળી છે.
2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર લાગવાનો હતો MDR
પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ, 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ UPI દ્વારા કરવા પર અમુક મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.4% નો ચાર્જ લગાવવાની વાત હતી. એટલે કે, જો કોઈ ગ્રાહક 2000 રૂપિયાથી વધુની ખરીદી કરે છે, તો ચાર્જ ગ્રાહકને નહીં, પરંતુ દુકાનદારે (મર્ચન્ટ) જ ચૂકવવાનો હતો.
UPI MDR on Select Merchant Transactions Shall be Implemented Post Diwali
Press Release Link: https://t.co/5KMjOP0tHd https://t.co/pD8IKfN6sR
— NPCI (@NPCI_NPCI) October 13, 2026
આ જગ્યાઓ પર 5 રૂપિયાનો ફ્લેટ ચાર્જ
ટેલિકોમ, વીમા, રેલવે અને ઇંધણ જેવી કેટલીક ખાસ કેટેગરીમાં 2000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર 5 રૂપિયાનો ફ્લેટ MDR લગાવવાનો પ્રસ્તાવ હતો. આ ચાર્જ પણ ગ્રાહક પાસેથી વસૂલી શકાતો ન હતો, તે મર્ચન્ટે જ ભોગવવાનો હતો.
હવે ક્યારે લાગુ થશે નિયમ?
પ્રાપ્ત માહિતી અનુસાર, 15 ઓક્ટોબરની તારીખ દિવાળી પછી સુધી લંબાવવામાં આવી છે અને નવી તારીખની જાહેરાત ભવિષ્યમાં કરવામાં આવશે. આ ચાર્જ સંપૂર્ણપણે રદ થયો છે કે જાન્યુઆરી 2027થી લાગુ થશે, તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી.




