નવી દિલ્હીઃ ઈતિહાસમાં સૌપ્રથમવાર યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસે (UPIએ) ઓગસ્ટમાં રૂ. 20 અબજ વ્યવહારો પાર કર્યા છે. ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા 20.01 અબજ સુધી પહોંચી છે, જે ગયા મહિને જુલાઈના 19.47 અબજ આંકડા કરતાં 2.8 ટકા વૃદ્ધિ દર્શાવે છે. વાર્ષિક આધારે આ 34 ટકા વૃદ્ધિ છે, એમ ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (NPCI) દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા જણાવે છે.
ઓગસ્ટમાં મૂલ્યના સંદર્ભમાં UPI દ્વારા 24.85 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા, જે ગયા વર્ષની તુલનામાં 24 ટકા વધુ છે. આ ઉપરાંત, NPCI ના આંકડા મુજબ સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન સંખ્યા વધીને 64.5 કરોડ થઈ ગઈ, જ્યારે જુલાઈમાં તે 62.8 કરોડ હતી. જોકે ઓગસ્ટમાં સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન મૂલ્ય 80,177 કરોડ રૂપિયા રહ્યું, જે જુલાઈમાં 80,919 કરોડ રૂપિયા હતું. UPIએ આ પહેલાં બીજી ઓગસ્ટે એક જ દિવસે 70 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સિદ્ધિ છેલ્લા કેટલાક મહિનામાં સતત થયેલી વૃદ્ધિ પછી પ્રાપ્ત થઈ છે. ખાસ વાત એ છે કે ઓગસ્ટમાં આ ઉછાળો રિયલ મની ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ હોવા છતાં જોવા મળ્યો હતો.
જૂનમાં, UPIથી 24.04 લાખ કરોડ રૂપિયાના 18.40 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. તે પછીના મહિને તેમાં 5.8 ટકાની તેજ વૃદ્ધિ થઈ અને તે 19.47 અબજ ટ્રાન્ઝેક્શન સુધી પહોંચી ગયો, જેથી વ્યવહારનું મૂલ્ય 25.08 લાખ કરોડ રૂપિયા થયું હતું. SBI રિસર્ચના તાજા આંકડા મુજબ માત્ર જુલાઈમાં જ 9.8 ટકાની હિસ્સેદારી સાથે મહારાષ્ટ્ર ડિજિટલ ચુકવણીમાં સતત અગ્રણી રહ્યું હતું, ત્યાર બાદ કર્ણાટક 5.5 ટકા હિસ્સેદારી સાથે અને ઉત્તર પ્રદેશ 5.3 ટકા સાથે રહ્યાં હતાં.




