વોશિંગ્ટન / ઈસ્ફાહાન: ઈરાનની સીમામાં એક અમેરિકન F-15E ફાઈટર જેટ વિમાન તૂટી પડ્યું. બાદમાં તેના વેપન સિસ્ટમ્સ ઓફિસર (કોલ સાઈન ‘બ્રાવો’)એ પહાડી વિસ્તારના અત્યંત કપરા વાતાવરણ અને સંજોગો વચ્ચે પ૫૦ કલાક સુધી દુશ્મનોની નજરથી બચીને જીવ બચાવ્યો હોવાની રોમાંચક વિગતો સામે આવી છે. અમેરિકી ટીવી શો ’60 મિનિટ્સ’માં આ ઘટનાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
ગત ૨ એપ્રિલના રોજ ઈરાનના ઈસ્ફાહાન નજીક ડ્રોન અને મિસાઈલ પ્રોગ્રામ સાથે જોડાયેલી ફેક્ટરીઓ પર હુમલો કરવા ગયેલા અમેરિકી વિમાનને ઈરાની મિસાઈલે નિશાન બનાવ્યું હતું. વિમાન ક્ષતિગ્રસ્ત થતાં પાઈલટ ‘આલ્ફા’ અને ઓફિસર ‘બ્રાવો’ ઈજેક્ટ (બહાર) થઈ ગયા હતા. જોકે, બ્રાવોનું પેરાશૂટ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું, જેના કારણે તેઓ કલાકના લગભગ ૭૦ થી ૧૦૦ માઈલ (૧૬૧ કિમી/કલાક)ની ઝડપે જમીન તરફ પટકાયા હતા. આ દુર્ઘટનામાં તેમની પીઠ, હાથ અને ખભાનું હાડકું ભાંગી ગયું હતું.
ગંભીર ઈજાઓ હોવા છતાં, બ્રાવોએ હિંમત ન હારી અને ઈરાની દળોના હાથમાં આવવાથી બચવા માટે 7,000 ફૂટ ઊંચી પહાડીઓ તરફ ચઢાઈ કરી હતી અને ત્યાં છુપાઈ રહ્યા હતા. પાઈલટ આલ્ફાને તો થોડાક જ કલાકોમાં રેસ્ક્યુ કરી લેવાયા હતા, પરંતુ બ્રાવો સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ હતું. અંતે અમેરિકી સૈન્ય, સીઆઈએ (CIA) અને સ્પેશિયલ ફોર્સના ૯૦થી વધુ જવાનોએ એક જટિલ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને ઈસ્ટર સન્ડેની સવારે ૫૦ કલાક બાદ તેમને સકુશળ બહાર કાઢ્યા હતા.




