ગણેશ ચતુર્થીના દિવસે અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર મુંબઈ પહોંચ્યા અને પ્રખ્યાત લાલબાગચા રાજા મંદિરના દર્શન કર્યા હતાં. ગણપતિના ચરણ સ્પર્શ કરતો તેમનો એક વીડિયો સામે આવ્યો છે.

દેશભરમાં 11 દિવસીય ગણેશ ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ રસ્તાઓ ‘ગણપતિ બાપ્પા મોર્યા’ ના નાદથી ગુંજી રહ્યા છે અને ભક્તો ઢોલના તાલ વચ્ચે ભગવાન ગણેશની પૂજા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં લાલબાગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ ક્રમમાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પણ ગણેશ ચતુર્થીના અવસર પર લાલબાગચા રાજા (લાલબાગના ગણપતિ) ના દર્શન કર્યા અને બાપ્પાના આર્શીવાદ લીધા.
સર્જિયો ગોરે ભગવાન ગણેશના ચરણ સ્પર્શ કર્યા
મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન કરતી વખતે સર્જિયો ગોરે ભગવાન ગણેશના ચરણ સ્પર્શ કર્યા. દર્શન કર્યા પછી, તેમણે પોતાનો અનુભવ શેર કર્યો. સર્જિયો ગોરે કહ્યું, “આ ખરેખર અદ્ભુત છે. મને અહીં આવીને સન્માનની લાગણી થાય છે. આમંત્રણ પ્રાપ્ત કરીને ખૂબ આનંદ થયો. મને લાગે છે કે દરેક વ્યક્તિએ અહીં આવવું જોઈએ, કારણ કે આટલી જીવંત જગ્યાઓ બહુ ઓછી છે. અહીંની ઉર્જા અદ્ભુત છે. જો તમે અહીં ન ગયા હોવ, તો તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. તેથી, જો તમે ન ગયા હોવ, તો ચોક્કસપણે મુલાકાત લો.”
તેમના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરાયેલા એક ટ્વિટમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે જણાવ્યું હતું કે, “મને મુંબઈચા રાજા અને લાલબાગચા રાજાની મુલાકાત લઈને ખૂબ આનંદ થયો. તેઓ શ્રદ્ધા અને સમુદાયનું જીવંત પ્રતીક છે જે દરેકને એકસાથે લાવે છે. ગણેશ ચતુર્થી ઉજવનારા બધાને શુભકામનાઓ.” મુંબઈમાં અંબાણી પરિવારે પણ તેમના નિવાસસ્થાને ગણેશ પૂજા કરી. આ પ્રસંગ સ્ટાર્સથી ભરેલો હતો. સલમાન ખાન અને વિકી કૌશલ સહિત અનેક હસ્તીઓએ અંબાણી નિવાસસ્થાને હાજરી આપી હતી.
પીએમ મોદી પીયૂષ ગોયલના ઘરની મુલાકાતે ગયા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગણેશ ચતુર્થીમાં પ્રાર્થના કરવા માટે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના નિવાસસ્થાને ગયા હતા. પીએમ મોદીએ કહ્યું, “ભગવાન ગણેશ સૌને આશીર્વાદ આપે.” કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, આજે મારા નિવાસસ્થાને ગણપતિ પૂજા દરમિયાન તમારી હાજરી મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ભાગ્યની વાત છે. અવરોધો દૂર કરનાર ભગવાન શ્રી ગણેશ, દરેકના જીવનમાંથી તમામ દુઃખો દૂર કરે અને દરેક પર પોતાના આશીર્વાદ વરસાવતા રહે અને આપણો દેશ વિકાસના માર્ગ પર ઝડપથી પ્રગતિ કરે, આ મારી ઇચ્છા છે.”




