અમેરિકામાં મોંઘવારીનો વિસ્ફોટ: ડીઝલના ભાવ ઓલ-ટાઈમ હાઈ પર

ઈરાન સામેના યુદ્ધ અને તેલના રાજકારણમાં પોતાનો પ્રભાવ જમાવવાની ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ હવે પોતે અમેરિકા માટે જ મોટી મુશ્કેલી સાબિત થઈ રહી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને Strait of Hormuz માં સર્જાયેલી બ્લોકેજને કારણે અમેરિકામાં ડીઝલના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. માત્ર એક જ સપ્તાહમાં થયેલા તીવ્ર ઉછાળાએ અમેરિકી અર્થતંત્રમાં મોંઘવારીનો મોટો ખતરો ઊભો કર્યો છે.

એક સપ્તાહમાં 5.3% નો ઉછાળો, કેલિફોર્નિયા સૌથી મોંઘું

અમેરિકન ઓટોમોબાઈલ એસોસિએશન (AAA) ના તાજેતરના આંકડા અનુસાર, 19 સપ્ટેમ્બરના રોજ દેશમાં ડીઝલનો રાષ્ટ્રીય સરેરાશ ભાવ 6.4866 ડોલર પ્રતિ ગેલોન નોંધાયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો રેકોર્ડ છે. એક અઠવાડિયા પહેલા આ દર 6.16 ડોલર હતો, એટલે કે માત્ર 7 દિવસમાં 33 સેન્ટ અથવા 5.3% નો જંગી વધારો થયો છે.  કેલિફોર્નિયા રાજ્ય હાલમાં યુએસનું સૌથી મોંઘું ફ્યુઅલ માર્કેટ બની ગયું છે, જ્યાં ડીઝલનો સરેરાશ ભાવ પ્રતિ ગેલોન 8.4161 ડોલર પહોંચી ગયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં આશરે 2 ડોલર વધુ છે.

એક વર્ષમાં 75% સુધી મોંઘું થયું ડીઝલ

ગત વર્ષે આ સમયે અમેરિકામાં ડીઝલનો સરેરાશ ભાવ 3.71 ડોલર પ્રતિ ગેલોન હતો. 28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઈરાન સંઘર્ષ શરૂ થયા પહેલા (27 ફેબ્રુઆરીએ) ભાવ 3.75 ડોલર હતો. યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં આશરે 73% થી 75% નો વિસ્ફોટક વધારો જોવા મળ્યો છે.

હોર્મુઝ સંકટ બન્યું ટ્રમ્પ માટે માથાનો દુખાવો

વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ પુરવઠાનો 20% ભાગ જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝ રૂટ પર ઈરાને કન્ટ્રોલ વધારી દેતાં વૈશ્વિક તેલ સપ્લાય ખોરવાઈ ગઈ છે. માર્ચ મહિનાના અહેવાલો મુજબ, ખાડી દેશોમાંથી તેલની નિકાસમાં 60% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રશિયન રિફાઈનરીઓ પરના હુમલા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે સ્થિતિ વધુ વણસી છે. અમેરિકા વૈશ્વિક સ્તરે અછત ભોગવતા દેશોને રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ સપ્લાય કરી રહ્યું છે, જેના કારણે તેના પોતાના સ્થાનિક ડીઝલ રિઝર્વ પર ભારે દબાણ આવી ગયું છે.

મોંઘવારીનું સંકટ ઘેરું બનશે

અમેરિકામાં ડીઝલ માત્ર એક ઈંધણ નથી પરંતુ માલસામાનની હેરફેર કરતા હેવી ટ્રકો, માલગાડીઓ, ખેતીના સાધનો અને ફિશિંગ બોટ માટે જીવનદોરી છે. ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, ખેતી ખર્ચ અને ઉત્પાદન પડતર વધી જશે, જેની સીધી અસર સામાન્ય ગ્રાહકો પર મોંઘવારી સ્વરૂપે પડશે.