ભારત પર લાગશે 100% ટેરિફ ? ટ્રમ્પ 10 દિવસમાં નિર્ણય લેશે

ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદતા દેશો પર લાગનારા સંભવિત 100% ટેરિફ અંગે મહત્વના નિવેદનો આપ્યા છે. બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 10 દિવસની અંદર પ્રતિબંધો અને ટેરિફ અંગે આખરી નિર્ણય લઈ શકે છે, જેની સીધી અસર ભારત સહિત રશિયાથી ઊર્જા આયાત કરતા અન્ય દેશો પર પણ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ‘લિન્ડસે ઓ ગ્રામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ’ (SRIA) પર હસ્તાક્ષર કરીને તેને કાનૂન બનાવ્યો હતો. આ કાયદો રશિયા પાસેથી તેલ અને ગેસના ટોચના આયાતકારો અથવા પ્રતિબંધોમાંથી બચવામાં મદદ કરનારા દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવવાની સત્તા આપે છે. કાયદો પસાર થયાના 30 દિવસની અંદર નિર્ણય લેવો આવશ્યક હોવાથી આગામી 10 દિવસમાં આ અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

કોઈપણ એક દેશને નિશાન બનાવવાનો હેતુ નથી

સર્જિયો ગોરે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા આ પ્રતિબંધો કે વિકલ્પોનો હેતુ કોઈ એક ચોક્કસ દેશને નિશાન બનાવવાનો નથી. આમાં મુખ્યત્વે ત્રણ કેટેગરી છે – પહેલી તેલની ખરીદી, બીજી ગેસની ખરીદી અને ત્રીજી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવામાં મદદ કરવી. આ કેટેગરીઓમાં ભારતની સાથે અન્ય કેટલાક દેશો પણ સામેલ છે. તેમણે ઉમેર્યું કે આ પગલાંનો ઉદ્દેશ્ય દંડ કરવાનો નહીં, પરંતુ યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરવાનો છે.

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સકારાત્મક સંકેત

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતને આ ટેરિફમાંથી કોઈ રાહત કે છૂટ મળશે, ત્યારે તેમણે જણાવ્યું કે તેનો આખરી નિર્ણય સંપૂર્ણપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર નિર્ભર છે. આ સાથે જ તેમણે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા દ્વિપક્ષીય વેપાર કરાર (Trade Deal) ને લઈને ઉત્સાહજનક વાત કરી છે. ગોરે જણાવ્યું કે લગભગ દોઢ વર્ષથી ચાલી રહેલી જટિલ વાતચીત છતાં બંને દેશોએ વેપાર કરારની દિશામાં શાનદાર પ્રગતિ કરી છે. મોટાભાગના મુખ્ય મુદ્દાઓ પર સહમતિ સધાઈ ચૂકી છે અને હવે માત્ર કેટલીક નાની-મોટી બાબતો તથા નવી ચર્ચાઓને જ ઉકેલવાની બાકી છે.

આ ક્ષેત્રોમાં સહયોગ વધારવા ઉત્સુક છે અમેરિકા

અમેરિકી રાજદૂતે વધુમાં જણાવ્યું કે યુએસ સરકાર રક્ષા (Defense), આઈટી (IT), ડેટા સેન્ટર અને ચિપ મેન્યુફેક્ચરિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારત સાથેના વેપારી સંબંધો અને આર્થિક સહયોગને વધુ મજબૂત કરવા માટે અત્યંત ઉત્સુક છે. ભારતમાં અમેરિકી કંપનીઓ દ્વારા કરવામાં આવતું રોકાણ અમેરિકામાં રોજગારીની નવી તકો ઊભી કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.