અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થઈ ફાઈનલઃ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત

નવી દિલ્હીઃ વિશ્વનાં ઊર્જા બજારો માટે રાહતના સમાચાર છે. અલ અરબિયાના રિપોર્ટ અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ ગઈ છે. આ કરાર હેઠળ હવે હોર્મુઝ જલસંધિમાં લાગેલી નૌકાદળની નાકાબંધીમાં ઢીલ આપવામાં આવશે અને જહાજોની અવરજવર ફરી શરૂ થશે. નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા આ સંઘર્ષ બાદ ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ માર્ગોમાંથી એક એવા હોર્મુઝ જલસંધિને બંધ કરી દીધો હતો, જેને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો ગંભીર રીતે પ્રભાવિત થયો હતો.

ફસાયેલાં જહાજોને મળશે રાહત

આ સમજૂતી મુજબ આગામી થોડા કલાકોમાં લાંબા સમયથી આ જલસંધિમાં અટવાયેલા વેપારી જહાજોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા નાકાબંધીમાં ઢીલ આપવા માટે રાજી થયું છે, જ્યારે તેના બદલામાં ઈરાને હોર્મુઝને તબક્કાવાર રીતે ખોલવાનો વાયદો કર્યો છે. હોર્મુઝ જલસંધિમાંથી વિશ્વના કુલ તેલ વેપારનો લગભગ એક-તૃતીયાંશ ભાગ પસાર થાય છે, તેથી આ માર્ગ ફરી ખૂલતા ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. કૂટનીતિક પ્રગતિ પર ખુશી વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે આ યુદ્ધ જલદી ખતમ થશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથેની વાતચીત “ખૂબ સારી” રહી છે અને બંને દેશો “પૂર્ણ અને અંતિમ સમજૂતી”ની ખૂબ નજીક પહોંચી ગયા છે.

શું છે 14 મુદ્દાનો ‘શાંતિ પ્રસ્તાવ’?

આ સમજૂતી અમેરિકા દ્વારા રજૂ કરાયેલા એક પાનાના 14 મુદ્દાવાળા સમજૂતી પ્રસ્તાવનો ભાગ છે, જેના પર ઈરાન હાલમાં વિચારણા કરી રહ્યું છે. ઈરાન પોતાના પરમાણુ સંવર્ધન કાર્યક્રમ પર રોક લગાવવા તૈયાર થઈ શકે છે. તેના બદલામાં અમેરિકા ઈરાન પર લાગેલા કેટલાક પ્રતિબંધો હટાવશે અને વિદેશોમાં ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ઈરાની ફંડને મુક્ત કરશે. એ સાથે-સાથે બંને દેશો સમુદ્રી ટ્રાન્ઝિટના નિયમોને સરળ બનાવવા માટે પણ કામ કરશે.