નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયો છે. બંને દેશોએ લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા પર સહમતી વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન કરારની નજીક છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઈરાન સાથે કરાર થઈ ગયો છે. તેમણે આ માટે સૌને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવામાં આવશે અને તેની સાથે જ અમેરિકી નૌકાદળ દ્વારા લાગુ કરાયેલી નાકાબંધી પણ તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવશે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે હવે વિશ્વભરનાં જહાજોએ પોતાના એન્જિન ફરીથી શરૂ કરી દેવાં જોઈએ.
શહબાઝ શરીફનું પણ નિવેદન
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરાર અંગે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર નિવેદન આપ્યું હતું. શરીફે જણાવ્યું હતું કે વોશિંગ્ટન અને તહેરાન બંને લેબનાન સહિત તમામ મોરચાઓ પર ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી તાત્કાલિક અને કાયમી રીતે બંધ કરવા સંમત થયા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ શાંતિ કરાર પર 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારા એક કાર્યક્રમ દરમિયાન સહી કરવામાં આવશે.
Following intensive talks, we are pleased to announce that the Peace Deal between the United States of America and Islamic Republic of Iran has been REACHED. Both sides have declared the immediate and permanent termination of military operations on all fronts, including in…
— Shehbaz Sharif (@CMShehbaz) June 14, 2026
બેરુતમાં ઇઝરાયલી હુમલાને કારણે વિલંબ
શાંતિ કરારની જાહેરાત પહેલાં ટ્રમ્પે જણાવ્યું હતું કે બેરુતમાં હિઝબુલ્લાનાં સ્થાનો પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓને કારણે અમેરિકા-ઈરાન કરાર પર હસ્તાક્ષરમાં થોડા કલાકોનો વિલંબ થયો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે બેરુતમાં થયેલા ઇઝરાયલી હુમલા અંગે તેમણે ઇઝરાયલના વડા પ્રધાન નેતાન્યાહુ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. આ પહેલાં પણ ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાનને એકબીજા પર હુમલા ન કરવા અપીલ કરી હતી.

ટ્રમ્પે છેલ્લા કેટલાક દિવસોમાં જણાવ્યું હતું કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટેનો કરાર લગભગ અંતિમ તબક્કામાં છે અને તેના પર ટૂંક સમયમાં હસ્તાક્ષર થવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે કરાર થયા બાદ હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવામાં આવશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાને ખાતરી આપી છે કે તે પરમાણુ હથિયારો મેળવવાનો પ્રયાસ નહીં કરે.






