ઈરાનના નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર અમેરિકા-ઇઝરાયેલની સ્ટ્રાઈક, ભારે બોમ્બમારો

નવી દિલ્હીઃ ઈરાનના નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા સ્ટ્રાઈક કરવામાં આવી છે. પરમાણુ કેન્દ્ર પર ભારે બોમ્બમારો થયો હોવાનું જાણવા મળ્યું છે.જોકે આ હુમલા બાદ કોઈ પણ પ્રકારનું રેડિયોએક્ટિવ પદાર્થનું લીકેજ થયું નથી. આ સાઇટ તહેરાનથી આશરે 220 કિલોમીટર દૂર સ્થિત છે અને અગાઉ પણ ઘણી વખત નિશાન બનાવવામાં આવી ચૂકી છે, જેમાં 2025ના ઈરાન-ઇઝરાયેલ જંગ અને અમેરિકાના જૂના હુમલાઓનો સમાવેશ થાય છે.

આ વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોમાં વધુ નુકસાન થયું નથી. ઈરાન સરકારે આ હુમલાને અમેરિકા અને ઇઝરાયેલની જૂની વ્યૂહરચના ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ ઈરાન પર સૈન્ય દબાણ બનાવવા માટે આવા “કાયરતાપૂર્ણ” હુમલા કરવામાં આવી રહ્યા છે.

જોકે નતાન્ઝ પરમાણુ કેન્દ્રને પહેલી વાર નિશાન બનાવાયું નથી. અગાઉ પણ અહીં અનેક હુમલાઓ થઈ ચૂક્યા છે. ઈરાનની એટોમિક એનર્જી ઓર્ગેનાઈઝેશને આ હુમલાની આકરી નિંદા કરી છે. તેમના જણાવ્યાનુસાર આ આંતરરાષ્ટ્રીય કાયદાનો ખુલ્લેઆમ ભંગ છે અને પરમાણુ હથિયારોના પ્રસારને રોકતી સંધિના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું નથી.

આ તરફ  ઈરાકની રાજધાની બગદાદમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવારે ઈરાને ફરી એક વખત ત્યાં મિસાઈલ હુમલો કર્યો, જેને કારણે ભારે આગ લાગી હતી. એ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન સાથે સીઝફાયરના પક્ષમાં નથી. તેમના મુજબ જો કોઈ એક પક્ષ સંપૂર્ણ રીતે ઝૂકી રહ્યો હોય, તો તેને નિષ્પક્ષ સ્થિતિ કહી શકાય નહીં.  એ ઉપરાંત શનિવારે બ્રિટને પણ મોટું એલાન કરીને અમેરિકાને પોતાના સૈન્ય બેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકા તેમને મોટી આર્થિક મદદ આપે છે, પરંતુ જ્યારે અમેરિકાને તેમની જરૂર પડે છે ત્યારે તેઓ પાછળ હટી જાય છે.