અમેરિકામાં થેંક્સગિવિંગ તહેવાર વચ્ચે જૈનોની અહિંસા પ્રાર્થના : મૃત પક્ષીઓ માટે નવકાર જાપ

મિશિગન: અમેરિકામાં થેંક્સગિવિંગ (Thanksgiving) પર્વની લાખો લોકો ટર્કી (Turkey) પક્ષીના ભોજન સાથે ઉજવણી કરે છે, ત્યારે અમેરિકામાં વસતો જૈન સમુદાય અહિંસાના સિદ્ધાંત સાથે આ પર્વમાં ભોગ બનેલા પક્ષીઓના આત્માની શાંતિ માટે નવકાર મંત્રનો જાપ કરીને પોતાની આગવી પરંપરા નિભાવી રહ્યો છે.મિશિગનના ફાર્મિંગ્ટન હિલ્સ સ્થિત જૈન સોસાયટી ઓફ ગ્રેટર ડેટ્રોઇટ ખાતે આ વર્ષે ૨૬ નવેમ્બરે થેંક્સગિવિંગના દિવસે સવારે ‘નવકાર જાપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન ઓર્ગેનાઇઝેશન ઓફ યુથ એક્ટિવિટીઝ (JOY) દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં યુવા સભ્યો અને વડીલોએ સાથે મળીને નવકાર મંત્રનો જાપ કર્યો હતો તથા નાસ્તાની સેવા આપી હતી. આ પ્રાર્થનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્સવ દરમિયાન કપાયેલા ટર્કી પક્ષીઓના જીવ પ્રત્યે કરુણા અને શાંતિની ભાવના વ્યક્ત કરવાનો છે.

જૈન ધર્મમાં અહિંસાને સર્વોચ્ચ મૂલ્ય માનવામાં આવે છે, જે મુજબ મનુષ્યની જેમ દરેક પ્રાણી અને પક્ષીમાં જીવ રહેલો છે અને કોઈ પણ જીવને નુકસાન પહોંચાડવું ન જોઈએ. આ જ પરંપરાને આગળ ધપાવતા અમેરિકાના વિવિધ ભાગોમાં વસતા જૈન પરિવારો થેંક્સગિવિંગને કૃતજ્ઞતા, પરિવાર સાથે સમય વિતાવવા, ઉપવાસ, શાકાહારી/વેગન ભોજન અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવા જેવી રીતે ઉજવે છે.

અમેરિકાના કૃષિ વિભાગ (USDA)ના અંદાજ મુજબ થેંક્સગિવિંગ દરમિયાન દર વર્ષે ૪.૬ કરોડથી વધુ ટર્કી પક્ષીઓનો વપરાશ થાય છે. આવા સમયે જૈન સમુદાયની આ પરંપરા ભારતીય સંસ્કૃતિના અહિંસા મૂલ્ય અને અમેરિકન તહેવારની કૃતજ્ઞતાની ભાવના વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ દર્શાવે છે.