વોશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અગ્રણી મીડિયા સંસ્થાઓ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં યુએસ ફેડરલ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. અમેરિકી ફેડરલ જજે રાષ્ટ્રપતિ ટ્રમ્પના તે આદેશ પર તાત્કાલિક વચગાળાનો સ્ટે આપ્યો છે. જેમાં CNN, MS NOW અને Politicoને વ્હાઇટ હાઉસમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કોર્ટે આ મીડિયા સંસ્થાઓનો વ્હાઇટ હાઉસ એક્સેસ તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ટિમોથી કેલીએ આ ચુકાદો આપતાં જણાવ્યું કે, સંબંધિત મીડિયા હાઉસે વચગાળાના સ્ટે માટે જરૂરી કાનૂની શરતો પૂર્ણ કરી છે. તેમણે આ પ્રતિબંધ પર ૧૪ દિવસ માટે રોક લગાવી છે, જેથી કોર્ટ આ સમગ્ર વિવાદની વધુ ઊંડાણપૂર્વક સમીક્ષા કરી શકે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ મીડિયા સંસ્થાઓના કવરેજને “ફેક ન્યૂઝ” ગણાવીને તેમના વ્હાઇટ હાઉસ પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના વિરોધમાં ત્રણેય મીડિયા હાઉસે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, તેમની સામે કરાયેલી આ કાર્યવાહી યુએસ બંધારણના પ્રથમ સુધારા (First Amendment) હેઠળ મળેલા અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સીધું ઉલ્લંઘન છે.
કોર્ટમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટના વકીલે એવી દલીલ કરી હતી કે વ્હાઇટ હાઉસમાં પ્રવેશ એ હક નથી પરંતુ વિશેષાધિકાર છે. જોકે, કોર્ટે પત્રકારોના બંધારણીય અધિકારો અને મુક્ત પત્રકારત્વના પક્ષમાં નિર્ણય આપતાં વ્હાઇટ હાઉસમાં પ્રવેશ પુનઃસ્થાપિત આદેશ આપ્યો છે.




