વોશિંગ્ટનઃ ઈરાનમાં ખોમિનીની સરકાર સામે ચાલી રહેલાં પ્રદર્શનોમાં અમેરિકા કૂદવા માટે તૈયાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની શાસનને ખુલ્લી ધમકી આપી છે કે જો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરતા લોકોને ઈરાની શાસન મારતું રહેશે તો અમેરિકા તેમને બચાવવા માટે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખોમિનીને સત્તાથી હટાવવાની મુહિમ ચલાવી રહેલા આ પ્રદર્શનકારીઓને ક્યાંક ને ક્યાંક અમેરિકાનું સમર્થન મળતું હોવાનું મનાય છે.
ઈરાનમાં સત્તામાં બદલાવને લઈને ચાલી રહેલા પ્રદર્શનનો આજે છઠ્ઠો દિવસ છે. આર્થિક કારણોથી શરૂ થયેલાં આ પ્રદર્શનોએ હવે રાજકીય રંગ ધારણ કરી લીધો છે અને પ્રદર્શનકારીઓ ‘ડેથ ટુ ડિક્ટેટર’ અને ‘મુલ્લા દેશ છોડો’ જેવા નારા લગાવી રહ્યા છે. પ્રદર્શનકારીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહી અને ફાયરિંગમાં કેટલીક મોતની પણ માહિતી મળી છે. ઈરાનમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યા છે.
માનવાધિકાર સંગઠનો મુજબ ઈરાનમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસ ફાયરિંગમાં છ લોકોનાં મોત થયાં છે. કુહદશ્તમાં અમીરહેસમ ખોદાયારીફાર્દને સુરક્ષા દળોએ માથામાં ગોળી મારીને હત્યા કરી હતી. ફુલાદ શહેરમાં દારિયુશ અન્સારી બખ્તિયારીવંદને કલાશ્નિકોવ રાઇફલથી ગોળી મારી હતી. અજના અને લોરદેગાનમાં પણ ગોળીબારી દરમિયાન પ્રદર્શનકારીઓનાં મોત થયાં છે.
🚨 President Trump issues a direct warning to Tehran: “If Iran shoots and kills protesters, the United States will come to their rescue. We are ready.” pic.twitter.com/1q1BXMLczx
— General Quacker | الجنرال كواكر (@general_he42676) January 2, 2026
ઈરાન ઇન્ટરનેશનલની રિપોર્ટ અનુસાર ઈરાનના મર્વદશ્ત શહેરમાં પ્રદર્શનો દરમિયાન સુરક્ષા દળોની સીધી ગોળીબારીમાં એક પ્રદર્શનકારી માર્યો ગયો છે. મૃતકની ઓળખ ખોદાદાદ શરીફી મોનફારેદ તરીકે થઈ છે. તે સ્થાનિક રહેવાસી હતો. ગુરુવારે તાલેઘાની સ્ટ્રીટ પર વિરોધ પ્રદર્શન દરમિયાન તેને ગોળી વાગી હતી. આ પરિસ્થિતિઓ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે કે જો પ્રદર્શનકારીઓ મરાતા રહેશે તો અમેરિકા તેમના બચાવ માટે આગળ આવશે.
પ્રદર્શનકારીઓ પર વધુ કડકાઈ વધારશે ઈરાન
એ દરમિયાન ઈરાની સત્તાધીશો કોઈ પણ રીતે નરમ વલણ અપનાવતા દેખાતા નથી. ઈરાનના લોરેસ્તાન પ્રાંતના ચીફ જસ્ટિસ સઈદ શાહવારીએ જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં અજના અને ડેલ્ફાન શહેરોમાં ઘણા પ્રદર્શનકારીઓને ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા તેમણે જાહેર કરી નથી.



