મુંબઈમાં એસ. જયશંકર અને માર્કો રૂબિયો વચ્ચે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

ભારતના બે દિવસીય પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ મંગળવારે મુંબઈ ખાતે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે ઉર્જા સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા અંગે ગંભીર ચર્ચા થઈ હતી. આ સાથે જ ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાના મહત્વનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન અમેરિકી વિદેશ મંત્રીએ ભારતની ઉર્જા ક્ષમતાના મુક્ત મને વખાણ કરતા જણાવ્યું હતું કે, ભારત તેલ શુદ્ધિકરણ એટલે કે રિફાઇનિંગ ક્ષેત્રે વિશ્વભરમાં એક મહાસત્તા સમાન છે. ભારત પાસે ભારે કાચા તેલને શુદ્ધ કરવાની અદભુત ક્ષમતા રહેલી છે અને ભૂતકાળમાં પણ ભારતે આ ક્ષમતા સાબિત કરી બતાવી છે. તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં વેનેઝુએલામાંથી વધુ પ્રમાણમાં કાચું તેલ ઉપલબ્ધ થશે ત્યારે વૈશ્વિક સ્તરે ઉર્જાની માંગ પૂરી કરવામાં ભારત અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

વેનેઝુએલાની સ્થિતિ અંગે વધુ વિગતો આપતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, વેનેઝુએલામાં ભારત પાસે અગાઉથી જ તેલ ક્ષેત્રે ખાસ અધિકારો ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરીને ભારત સ્વયં વધુ ઉત્પાદન મેળવી શકે છે. આ તમામ બાબતો અત્યંત સકારાત્મક છે. તેમણે એવો પણ સ્વીકાર કર્યો હતો કે વિશ્વમાં હાલ સર્જાયેલી તેલની અછતને માત્ર વેનેઝુએલા એકલું પૂરું કરી શકે તેમ નથી, પરંતુ સમય જતાં તે ચોક્કસ શક્ય બની શકે છે. ટૂંકા ગાળાના સમયગાળા માટે તો વેનેઝુએલાનો વિકલ્પ ચોક્કસપણે મદદરૂપ સાબિત થશે. ભારતીય નેતૃત્વ સાથે આ મુદ્દે અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે અને ભારત આ દિશામાં આગળ વધવા સંપૂર્ણ તૈયાર અને ઉત્સુક જણાય છે. જો કે, આ માર્ગમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો જેવી કેટલીક અડચણો આવી શકે છે, જેને બંને દેશોએ સાથે મળીને ઉકેલવી પડશે.

પોતાના ભારત પ્રવાસ અંગે માર્કો રૂબિયોનું નિવેદન

પોતાના ભારત પ્રવાસના મહત્વ વિશે વાત કરતા અમેરિકી વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાની સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી પણ છે. ચાલુ વર્ષ દરમિયાન જ ભારતના વિદેશ મંત્રી ચાર વખત અમેરિકાની મુલાકાતે આવી ચૂક્યા છે. ભારત અમેરિકાનો એક અત્યંત મહત્વપૂર્ણ વ્યાપારી અને વાણિજ્યિક ભાગીદાર છે. સંરક્ષણ ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે ગાઢ સહકાર છે અને ભારત ‘ક્વાડ’ જૂથનો એક મુખ્ય અને મજબૂત સભ્ય છે. તેમણે એવો પણ ખેદ વ્યક્ત કર્યો હતો કે અમેરિકા તરફથી ભારતની પૂરતી મુલાકાતો લેવામાં આવી નથી અને ભવિષ્યમાં અમેરિકી પ્રતિનિધિઓએ વધુને વધુ ભારત પ્રવાસે આવવું જોઈએ.

ટ્રેડ ડીલ અંગે આશાસ્પદ વલણ: ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર થશે

વેપાર સમજૂતી (ટ્રેડ ડીલ) અંગે ચર્ચા કરતા માર્કો રૂબિયોએ સ્પષ્ટતા કરી હતી કે વિદેશ વિભાગ સીધી રીતે વેપાર સમજૂતીઓ પર વાટાઘાટો કરતો નથી, પરંતુ અમેરિકી પ્રશાસન આ પ્રક્રિયામાં સંપૂર્ણપણે જોડાયેલું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને તેઓ પોતે આ બાબતે ખૂબ જ ગંભીર છે. બંને દેશો આ વેપાર કરાર પૂર્ણ કરવાની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. માત્ર થોડી જ બાબતોને અંતિમ રૂપ આપવાનું બાકી છે, જે ટૂંક સમયમાં પૂરું થઈ જશે. ખૂબ જ ઝડપથી આ અંગે કોઈ શુભ સમાચાર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ કરાર પર વિધિવત હસ્તાક્ષર કરવામાં આવશે. આ મામલે ખૂબ જ ઝડપથી નક્કર પગલાં લેવાશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

યુક્રેન યુદ્ધ અને મિસાઈલ ટ્રાન્સફર અંગે સ્પષ્ટતા

મુંબઈ ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે યુક્રેન યુદ્ધનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. રૂબિયોએ સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા દ્વારા યુક્રેનને જાનબૂઝીને કોઈ પણ સહાયથી વંચિત રાખવામાં આવી રહ્યું નથી. ભૂતકાળમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે ટ્રમ્પ પ્રશાસને અમેરિકી નિર્મિત શસ્ત્રો ધરાવતા અન્ય દેશો પાસેથી યુક્રેનને ‘પેટ્રિઓટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો’ આપવાની મંજૂરી આપી નથી. આ અહેવાલોના સંદર્ભમાં સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, ટ્રમ્પ પ્રશાસન યુક્રેનને નુકસાન પહોંચાડી રહ્યું છે તેવા તમામ આરોપોથી અમેરિકી પ્રમુખ અત્યંત નિરાશ અને અપ્રસન્ન છે.