ચીનના નિયંત્રણો વચ્ચે અમેરિકાએ રેર અર્થ રિફાઇનિંગ પ્રક્રિયા ઝડપી કરી

અમેરિકા: ચીન દ્વારા સંરક્ષણ ક્ષેત્ર માટે અતિ મહત્વના રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો)ના પુરવઠા પર નિયંત્રણો મૂકયા છે. જેના પગલે અમેરિકાએ પોતાની ઘરેલું સપ્લાય ચેઇનને ઝડપથી મજબૂત બનાવવાની કામગીરી શરૂ કરી છે. અમેરિકન ડિફેન્સ કોન્ટ્રાક્ટરો ચીન જેવા દેશોમાંથી કી-કોમ્પોનન્ટ્સ ન મેળવે તેવાં કડક નિયમો લાગુ કરાયા બાદ અમેરિકન કંપનીઓ હવે માઇનિંગ વેસ્ટ (ટેલિંગ્સ) અને રિસાઇકલ્ડ પ્રોડક્ટ્સમાંથી રેર અર્થ મિનરલ્સ રિફાઇન કરવાની ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

પિનિક્સ ટેલિંગ્સનું ‘ફ્રીડમ ફેસિલિટી’ મોડલ

અમેરિકાના ન્યૂ હેમ્પશાયર સ્થિત ‘પિનિક્સ ટેલિંગ્સ’ (Phoenix Tailings) કંપની પેન્ટાગોન પાસેથી $500 મિલિયનની લોન મેળવીને પોતાની પ્રોસેસિંગ ક્ષમતા વધારી રહી છે. કંપની ઇલેક્ટ્રોલિસિસ પદ્ધતિથી માઇનિંગ પાવડર અને જૂના મેગ્નેટ્સમાંથી નિયોડિમિયમ, પ્રાઝીઓડિમિયમ, ડિસ્પ્રોસિયમ, સમેરિયમ અને યટ્રિયમ જેવા મહત્વના ધાતુઓ અલગ કરે છે.

  • આ ધાતુઓ ફાઇટર જેટ્સ, મિસાઇલ્સ, રડાર સિસ્ટમ્સ અને ડ્રોનના સુપર-મેગ્નેટ્સ બનાવવા માટે અત્યંત જરૂરી છે.

  • કંપનીના ચિફ કોમર્શિયલ ઓફિસર એન્થોની બેલાડોનના જણાવ્યા મુજબ, $150 મિલિયનની શસ્ત્ર પ્રણાલી માત્ર $20,000થી $30,000ના ક્રિટિકલ મિનરલ્સ વિના કાર્ય કરી શકતી નથી.

ચીન પર નિર્ભરતા ઘટાડવાનો વૈશ્વિક પ્રયાસ

અમેરિકા સિવાય યુરોપિયન કંપનીઓ પણ ચીની એકાધિકારને તોડવા સક્રિય થઈ છે. ફ્રાન્સની સોલ્વે (Solvay) કંપનીએ લા રોશેલ ખાતે રેર-અર્થ સેપરેશનનું કામ ફરી શરૂ કર્યું છે. જેમાંથી ‘આર્નોલ્ડ મેગ્નેટિક ટેકનોલોજીસ’ જેવી કંપનીઓ મિસાઇલ્સ માટે સમેરિયમ-કોબાલ્ટ મેગ્નેટ્સ તૈયાર કરી રહી છે.

પેન્ટાગોન અને ટ્રમ્પ પ્રશાસનનો કડક આદેશ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ, લશ્કરી શસ્ત્રો અને તેના પાર્ટ્સ માત્ર સ્વદેશી અથવા સાથી દેશોમાંથી જ મેળવવાના રહેશે. ઈરાન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં ઘટેલા મિસાઇલ સ્ટોકને કારણે અમેરિકા માટે ડિફેન્સ સપ્લાય ચેઇનને ઝડપથી પુનઃસ્થાપિત કરવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે.