“ટેક્સાસમાં હનુમાનજીની પ્રતિમા હટાવવી એ ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો છે”: રુચિર બક્ષી

વોશિંગ્ટન : અમેરિકાના ટેક્સાસ સ્થિત અષ્ટલક્ષ્મી મંદિર ખાતે હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેને તોડી પાડવાની ધમકી આપતી એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ મોટો વિવાદ ઊભો થયો છે. યુએસ આર્મીના હિન્દુ-અમેરિકન વેટરન રુચિર બક્ષીએ આ ધમકી આપનારાઓ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, કોઈ કટ્ટરપંથી પક્ષ કે નેતા માટે પોતાની સેનાની વર્દી પહેરીને દેશ માટે યુદ્ધ નહોતું લડ્યું કે જેથી કોઈ તેમના ધર્મ અને શ્રદ્ધા પર હુમલો કરે.

શું છે સમગ્ર વિવાદ?

ઓગસ્ટ ૨૦૨૪માં ટેક્સાસના શુગર લેન્ડ સ્થિત અષ્ટલક્ષ્મી મંદિરમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ તરીકે ઓળખાતી ૯૦ ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. હાલમાં જ જેસી હ્યુજીસ નામના એક કન્ઝર્વેટિવ યુટ્યુબરે આ પ્રતિમાનો ફોટો શેર કરીને “જ્યારે અમે જીતીશું, ત્યારે આને તોડી પાડીશું” તેવી ભડકાઉ પોસ્ટ કરી હતી.

અફઘાનિસ્તાન અને ઇરાક યુદ્ધ લડનારા યુએસ વેટરનનો પલટવાર

ઇરાક અને અફઘાનિસ્તાનમાં યુએસ કમ્બેટ મિશનમાં સેવા આપી ચૂકેલા રુચિર બક્ષીએ આ ભડકાઉ નિવેદનનો સખત વિરોધ કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “મેં મારી વર્દી પહેરીને, પરિવાર છોડીને યુદ્ધ એટલા માટે નહોતું લડ્યું કે કોઈ ત્રીજા વર્ગનો ટોક શો હોસ્ટ પોતાના પક્ષની જીત પછી મારા ધર્મ પર હુમલો કરવાની જાહેરાત કરે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, કાયદેસર રીતે ટેક્સ આપતા અને સેનામાં સેવા આપતા હિન્દુ સમુદાયના ધાર્મિક સ્થાન પર હુમલો કરવાની વાત કરવી એ અમેરિકન મૂલ્યો અને દેશભક્તિ નથી, પરંતુ હિન્દુ ધર્મ અને ધાર્મિક સ્વતંત્રતા સામેનો ખુલ્લો ભય અને ધમકી છે.

હિન્દુ સંગઠનોનું સમર્થન

રુચિર બક્ષીના આ વલણને કોઅલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA) તેમજ અન્ય વેટરન્સ તરફથી વ્યાપક સમર્થન મળ્યું છે. અમેરિકામાં વચગાળાની ચૂંટણીઓ (Midterm Elections) નજીક આવી રહી છે ત્યારે હિન્દુ વિરોધી અને પરપ્રાંતીય વિરોધી પ્રચાર વધતાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે