મુંબઈ: કાંદિવલીમાં ગયા શનિવારે સવારથી સાંજ સુધી એક સાવ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂની રંગભૂમિના જાણીતા કલાકાર ઉત્કર્ષ મુઝુમદાર અને તેમની ટીમે ગીતો, અભિનય અને યાદગાર વાતોથી મુંબઈના વિવિધ ભાગોમાંથી આવેલા શ્રોતાઓના મન મોહી લીધા હતા. બેથી અઢી કલાક માહોલમાં એકસો વરસથી વધુ સમયના સંભારણા છવાઈ ગયા હતા. સુરિલા ગાયિકા રેખા ત્રિવેદી, જૂની રંગભૂમિના વરિષ્ઠ કલાકાર શ્રીમતી રજની શાંતારામ ઉપરાંત આજના સમયના જાણીતા કલાકારો ડૉ. મંજરી મઝુમદાર, હેતલ મોદી, સ્નેહલ મઝુમદાર વગેરેએ સોનામાં સુગંધ ભળે તેવો માહોલ રચી દઈ શ્રોતાઓની ભરપૂર દાદ મેળવી હતી.
છેલ્લા નવ દાયકાથી શિક્ષણ, સંસ્કૃતિ અને સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી રહેલી શિક્ષણ સંસ્થા ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) આ વર્ષે સંસ્થાના ગૌરવવંતા નેવું વર્ષના ઉજવણીના ઉપલક્ષ્યમાં વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો યોજી રહી છે. જેના ભાગરૂપ શનિવાર, ૨૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ એક અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘પિયુ પહેલી પેસેન્જરમાં આવજો’ નું આયોજન કરાયું હતું.
ગુજરાતી જૂની રંગભૂમિના સુવર્ણયુગની યાદ અપાવતા આ કાર્યક્રમમાં રસિકજનો માટે ખાસ જૂની રંગભૂમિના વિસરાયેલા મધુર અને કર્ણપ્રિય ગીતોની મહેફિલ જામી હતી. આ સંગીતમય સાંજે વિશેષ અતિથિ તરીકે ગુજરાતી અને મરાઠી રંગભૂમિ પર જેમણે ૬૦થી પણ વધુ વર્ષો સુધી બહુમૂલ્ય યોગદાન આપ્યું છે એવાં મહેશ્વરીબેન ઉપસ્થિત રહયા હતા. તેમણે વકતવ્યમાં પોતાના એ સમયની રસપ્રદ વાતો અને પ્રસંગો વર્ણવીને માહોલને વધુ રસપ્રદ બનાવ્યો હતો. તેમણે પોતાના કંઠે જૂના સમયના ગીત ગાઈને માર્મિક સંદેશ પણ આપ્યા હતા.
ઉત્કર્ષભાઈએ પોતાની વિશેષ અદામાં અભિનય અને ગાયકી તેમ જ નૃત્યનો સંગમ રચી દેવા ઉપરાંત સ્ક્રિન પર જૂના સમયના કળાકારો, નાટકોના દ્રશ્યો, વરિષ્ઠ અભિનેતાઓની તસવીરોની ઝલક દર્શાવી તેમના વિશે રસપ્રદ વાતો પણ કરી હતી.
આ અવસરે KESના પ્રેસિડન્ટ મહેશ શાહે આવકાર આપતી વખતે KESની ૯૦ વરસની યાત્રાની ઝલક જણાવી હતી. કાર્યક્રમનું સરળ શૈલીમાં સંચાલન ડો. સેજલ શાહે કર્યુ હતું, જયારે આભાર વિધિ KESના ટ્રસ્ટી બીજલભાઇ દત્તાણીએ કરી હતી. આ પ્રસંગે સુવિખ્યાત સાહિત્યકાર-લેખક ડો. દિનકર જોશી, નવનીત સમર્પણના તંત્રી દીપક દોશી, કવિ મુકેશ જોશી, સંજય પંડયા, પ્રતિમા પંડયા, રાજેન બ્રહમભટ્ટ, ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક અને વાઈસ ચેરમેન મનન કોટક,ડો. બિપીન દોશી, ડો. દિલીપ રાયચુરા, સહિત અગ્રણી રસિકજનો હાજર રહયા હતા.




