વડોદરામાં કાળમુખો અકસ્માત: એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું

વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ ભીના થયેલા રસ્તાઓને કારણે એક અત્યંત વિચિત્ર અને કરૂણ અકસ્માત સર્જાયો છે. શહેરના કિસ્મત ચોકડી નજીક વરસાદના કારણે રસ્તો ભીનો હોવાથી એક્ટિવા સ્લીપ થઈ જતાં તેના પર સવાર ત્રણ યુવતીઓ જમીન પર પટકાઈ હતી. બરાબર એ જ ક્ષણે પાછળથી આવી રહેલા એક ખાનગી માલિકીના રોડ રોલર નીચે આવી જવાથી એક યુવતીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવતીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સમગ્ર કાળજું કંપાવી દેનારી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘર તરફ જતી વેળાએ કાળે માર્યો પંજો

મળતી માહિતી મુજબ, વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી ઝમઝમ પાર્ક સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષીય મહિનબાનું ઇર્શાદ અલી સૈયદ પોતાની અન્ય બે સાહેલીઓ સાથે એક્ટિવા પર સવાર થઈને ઘર તરફ જઈ રહી હતી. આ જ સમયે રસ્તા પરથી એક ખાનગી માલિકીનું રોડ રોલર પણ પસાર થઈ રહ્યું હતું. કિસ્મત ચોકડી પાસે વરસાદી પાણીના કારણે રસ્તો લપસણો હોય એક્ટિવા અચાનક સ્લીપ થઈ ગયું હતું. એક્ટિવા સ્લીપ થતાં જ ત્રણેય યુવતીઓ રોડ પર પટકાઈ હતી અને તે જ ક્ષણે બાજુમાંથી પસાર થઈ રહેલું રોલર મહિનબાનું સૈયદના માથા પરથી ફરી વળ્યું હતું, જેથી તેનું ઘટનાસ્થળે જ અરેરાટીભર્યું મોત થયું હતું.

વાહનચાલકો માટે તંત્ર અને પોલીસની સાવચેતીની એડવાઇઝરી

વડોદરા શહેરમાં છેલ્લા કલાકોમાં પડેલા મુસળધાર વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તાઓ ભીના અને લપસણા બની ગયા છે. વરસાદી મોસમમાં વાહન સ્લીપ થવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થતો હોય છે. આ કરૂણ અકસ્માત બાદ સ્થાનિક તંત્ર અને પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, વરસાદ દરમિયાન ભીના રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે અત્યંત સાવધાની રાખવી અને વાહનની ઝડપ મર્યાદિત રાખવી જેથી આવી કમનસીબ ઘટનાઓથી બચી શકાય.