અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના હૃદયની અત્યંત નજીક રહેલા વિઝન અને મૂળભૂત સ્તરેથી નવીનતા તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરાયેલી ‘વંદે ભારતમ’ પહેલને સમગ્ર દેશમાંથી અભૂતપૂર્વ આવકાર મળ્યો છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળેલી ૨૬,૦૦૦થી વધુ અરજીઓનું સઘન મૂલ્યાંકન કર્યા બાદ ‘વંદે ભારતમ’ દ્વારા નવોદિત સંશોધકો અને ઇનોવેટર્સના પ્રથમ સમૂહ (Cohorts)ની સફળતાપૂર્વક પસંદગી કરવામાં આવી છે.

વિવિધ ક્ષેત્રોના ઇનોવેટર્સ એક જ મંચ પર
આ દેશવ્યાપી પહેલ અંતર્ગત ટેકનોલોજી, કૃષિ, સંરક્ષણ, આરોગ્ય સંભાળ, ટકાઉપણું (Sustainability), ગતિશીલતા (Mobility), ઉત્પાદન અને શિક્ષણ સહિતના અનેકવિધ ક્ષેત્રોને આવરી લેતા નાવીન્યસભર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આ મંચ વિવિધ પ્રદેશો, ક્ષેત્રો અને પૃષ્ઠભૂમિ ધરાવતા દેશના યુવા સંશોધકોને એકછત્ર હેઠળ લાવે છે, જેઓ રાષ્ટ્ર-નિર્માણ, દેશની જટિલ સમસ્યાઓના ઉકેલ અને વ્યાપક સામાજિક પ્રભાવ ઊભો કરવાના દ્રઢ સંકલ્પ સાથે જોડાયા છે.
“પ્રતિભા દરેક જગ્યાએ વસે છે”: ગૌતમ અદાણી
‘વંદે ભારતમ’નો મુખ્ય ઉદ્દેશ્ય એ વિચારધારા પર આધારિત છે કે તકો ભલે મર્યાદિત હોઈ શકે, પરંતુ પ્રતિભા દેશના ખૂણેખૂણામાં વસે છે. ગૌતમ અદાણીની સ્પષ્ટ માનના છે કે જે દેશે આપણને સ્વપ્ન જોવાની અને સફળ થવાની તક આપી છે, તેને કંઈક પાછું આપવું (Giving Back) એ આપણી નૈતિક ફરજ છે. પ્રથમ સમૂહના ઉદ્ઘાટન પ્રસંગે ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, હું આ નવોદિત સંશોધકોમાં આવતીકાલના સક્ષમ અને સમૃદ્ધ ભારતની અફાટ સંભાવનાઓ જોઈ રહ્યો છું. જેમ પ્રતિભાને કોઈ ભૌગોલિક સીમાઓ બાધી શકતી નથી, તેમ તકો પણ સરહદોથી પર હોવી જોઈએ. વર્ષો પછી જ્યારે આપણે પાછળ ફરીને જોઈશું, ત્યારે આ પ્રથમ જૂથમાં એવા સ્થાપકો (Founders) જોવા મળશે જેમણે ભારતના પરિવર્તનમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હશે.
‘વંદે ભારતમ એકાગ્ર સપ્તાહ’ અને ગ્રાન્ડ ફિનાલે
બહુવિધ તબક્કાની ચકાસણીમાંથી પસાર થઈને પસંદ થયેલો આ પ્રથમ સમૂહ ‘વંદે ભારતમ એકાગ્ર સપ્તાહ’માં ભાગ લેશે. જેમાં દેશના અગ્રણી ઉદ્યોગસાહસિકો, ક્ષેત્રિય નિષ્ણાતો અને બિઝનેસ લીડર્સ સાથે સીધો સંવાદ, માર્ગદર્શન સત્રો અને કૌશલ્ય ચકાસણી હાથ ધરાશે. આ કાર્યક્રમની ભવ્ય પૂર્ણાહુતિ ૧૪ ઓગસ્ટના રોજ ‘વંદે ભારતમ ગ્રાન્ડ ફિનાલે’ સાથે થશે, જેમાં શ્રેષ્ઠ ઇનોવેટર્સને પ્રતિષ્ઠિત ‘વંદે ભારતમ ટ્રોફી’થી સન્માનિત કરવામાં આવશે. આ પહેલ માત્ર એક સ્પર્ધા પૂરતી મર્યાદિત ન રહેતા, પરંપરાગત મેટ્રો સિટીઝથી આગળ વધીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોના પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર પૂરું પાડતું એક કાયમી નેટવર્ક બનવાની દિશામાં આગળ વધી રહી છે.

