સંસદે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના અપમાનને ક્રિમિનલ ગુનો બનાવતા વિધેયકને લીલી ઝંડી આપી દીધી છે. બુધવારે રાજ્યસભામાં પસાર થયા બાદ ગુરુવારે લોકસભામાં પણ ટૂંકી ચર્ચા અને વિપક્ષના વિરોધ પ્રદર્શન વચ્ચે આ બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. ‘ધ પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર (એમેન્ડમેન્ટ) બિલ, 2026’ સંસદના બંને ગૃહમાંથી પસાર થતાં હવે તે કાયદો બનવાની નજીક પહોંચી ગયું છે. લોકસભામાં વિપક્ષી સભ્યો NEET પેપર લીક વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે ચર્ચાની માંગ સાથે હોબાળો કરી રહ્યા હતા, તે વચ્ચે જ ધ્વનિ મતથી આ વિધેયક પસાર કરવામાં આવ્યું હતું.

કાયદાની મુખ્ય જોગવાઈઓ અને સજા
આ બિલ ‘પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971’ માં સુધારો કરીને રાષ્ટ્રીય ગીત વંદે માતરમને તેના દાયરામાં લાવે છે. અત્યાર સુધી આ કાયદા હેઠળ બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન જેવા રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન પર 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ હતી. હવે આ નવો કાયદો અમલમાં આવ્યા બાદ વંદે માતરમ ગવાતી વખતે તેનું અપમાન કરવા, અટકાવવા કે તેમાં વિક્ષેપ પાડવા પર પણ 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે.
વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે પહેલ
કેન્દ્ર સરકાર દ્વારા વંદે માતરમની 150મી વર્ષગાંઠ ઉજવવાની યોજનાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 1875 માં વંદે માતરમ લખવામાં આવ્યું હતું અને તે પ્રથમ વખત 1882 માં તેમની નવલકથા ‘આનંદમઠ’ માં પ્રકાશિત થયું હતું. છેલ્લા કેટલાક મહિનાઓમાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રીય ગીત ગાવા અંગે પણ સૂચનાઓ જારી કરી છે.
સંસદમાં વિધેયકની સફર
24 જુલાઈ 2026: આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
29 જુલાઈ 2026: રાજ્યસભામાં તીખી બહેસ અને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોના વોકઆઉટ વચ્ચે બિલ પસાર થયું હતું.
30 જુલાઈ 2026: લોકસભાએ વિપક્ષી હોબાળા વચ્ચે બિલને આખરી મંજૂરી આપી દીધી હતી.
રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે આ બિલનો મુખ્ય હેતુ દેશના સન્માન અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવાનો છે. વંદે માતરમ એ ભારતની આઝાદીની લડાઈ અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે.




