લખનૌઃ ઉત્તર પ્રદેશની તમામ સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ફરજિયાત બનાવવાનું CM યોગી આદિત્યનાથે જાહેર કર્યું છે. હવે રાજ્યના સરકારી, સહાય પ્રાપ્ત અને ખાનગી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં દરરોજના કામકાજની શરૂઆત ‘વંદે માતરમ’ના ગાનથી થશે. તેમણે કહ્યું હતું કે ‘વંદે માતરમ’ માત્ર એક ગીત નથી, પરંતુ દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક છે.
તેમણે અધિકારીઓને સૂચના આપી છે કે આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં મૂકી દેવામાં આવે અને તમામ સ્કૂલોમાં અનુશાસન, સ્વચ્છતા અને દેશપ્રેમનું વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે અમારો હેતુ વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યે સન્માન અને ગર્વની ભાવના જગાડવાનો છે. ‘વંદે માતરમ’ના ગાનથી બાળકોમાં રાષ્ટ્રભક્તિના સંસ્કાર વિકસશે. શિક્ષણ વિભાગના અધિકારીઓ અનુસાર ટૂંક સમયમાં આ સંબંધમાં સત્તાવાર આદેશ જારી કરવામાં આવશે. આ આદેશમાં એ પણ ઉલ્લેખિત રહેશે કે દરરોજ પ્રાર્થનાસભા દરમિયાન ‘જન ગણ મન’ની જેમ ‘વંદે માતરમ’નું પઠન કરવામાં આવશે.
એ જ સમયે અનેક શિક્ષણવિદો અને વાલીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે આ પહેલ વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યે સમર્પણની ભાવનાને વધુ મજબૂત કરશે.

વંદે માતરમ’ના વિરોધનો કોઈ ઔચિત્ય નથીઃ યોગી
CM યોગી આદિત્યનાથે કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે આજે પણ કેટલાક લોકો માટે ભારતની એકતા અને અખંડિતતા કરતાં તેમનું મત અને મઝહબ વધારે મહત્વનો થઈ જાય છે. ‘વંદે માતરમ’ના વિરોધનું કોઈ પણ આધારભૂત કારણ નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે “વંદે માતરમ’ વિરુદ્ધ ઝેર ફેંકવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના 1896-97ના અધિવેશનમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પોતે પૂર્ણ ‘વંદે માતરમ’નું ગાન કરાવ્યું હતું અને 1896થી 1922 સુધી કોંગ્રેસના દરેક અધિવેશનમાં ‘વંદે માતરમ’ ગવાતું હતું. પરંતુ 1923માં જ્યારે મોહમ્મદ અલી જૌહર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યારે ‘વંદે માતરમ’ શરૂ થતાં જ તેઓ મંચ છોડીને ચાલ્યા ગયા. તેમણે ‘વંદે માતરમ’ ગાવાથી ઇનકાર કર્યો. ‘વંદે માતરમ’નો આ પ્રકારનો વિરોધ ભારતના વિભાજનનું દુર્ભાગ્યપૂર્ણ કારણ બન્યો હતો.


