ભારતીય સિનેમાના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત દિગ્ગજ અભિનેતા અનંત નાગને 22 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’થી નવાજવામાં આવ્યા છે. એકતા નગર ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સમાંતર સિનેમા (Parallel Cinema), મુખ્યધારાની ફિલ્મો અને ટેલિવિઝનમાં 5 દાયકાથી પણ વધુ સમયના અદ્ભુત યોગદાન માટે જ્યારે તેમનું નામ પોકારવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત તમામ દર્શકોએ ઊભા થઈને (Standing Ovation) તેમને માનભેર વધાવી લીધા હતા.

તમામ સાથી કલાકારો અને દર્શકોને સમર્પિત કર્યો એવોર્ડ
સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કર્યા બાદ અનંત નાગે તેમના પાંચ દાયકા લાંબા ફિલ્મ પ્રવાસને યાદ કર્યો હતો. તેમણે અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું હતું કે, “આ એવોર્ડ માત્ર મારો નથી. આ એ તમામ પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, એસોસિએટ ડિરેક્ટર્સ અને આસિસ્ટન્ટ ડિરેક્ટર્સનો છે જેમણે મારી સાથે કામ કર્યું. આ પુરસ્કાર એ લાખો દર્શકોનો પણ છે જેમણે દાયકાઓ સુધી મારી ભૂમિકાઓ અને અભિનયને પોતાના દિલ અને મગજમાં સ્થાન આપ્યું છે.”
Veteran actor Anant Nag receives the #DadasahebPhalkeAward at the 72nd National Film Awards, recognising his remarkable contribution to Indian cinema. 🎬🏆👏#IndiaCelebratesCinema #FilmsThatUnite pic.twitter.com/4MDY4LNqcP
— PIB India (@PIB_India) September 22, 2026
આશ્રમથી મુંબઈ અને મુંબઈથી સિનેમા સુધીની સફર
પોતાની જીવનસફર વાગોળતાં તેમણે ઉમેર્યું હતું કે, હું આ સમારોહની ભવ્યતાને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. આજે તમારા બધાની વચ્ચે આવીને મને ખૂબ જ આનંદ થાય છે. એક એક્ટર તરીકે તમે મારું કામ જોયું છે. મારું બાળપણ 12 વર્ષની ઉંમર સુધી એક આશ્રમમાં વીત્યું હતું. ત્યારબાદ મુંબઈમાં મને એક નાટકમાં કામ કરવાની તક મળી અને મારી એક્ટિંગ કારકિર્દીની શરૂઆત થઈ. અલગ-અલગ ભાષાઓની ફિલ્મોમાં કામ કરવા છતાં કર્ણાટક તરફથી મળેલા અથાક પ્રેમ અને સન્માનનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે એક કલાકાર તરીકે કર્ણાટક તેમની કર્મભૂમિ રહ્યું છે જ્યારે સમગ્ર ભારત દેશ તેમની ધર્મભૂમિ છે.


