દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાને 75મો જન્મદિવસ પોતાના ડૉગી સાથે મનાવ્યો

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાને પોતાનો 75મો જન્મદિવસ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો. અભિનેત્રીએ ઘરે જ પરિવાર અને નજીકના લોકો સાથે સાદગીભરી પાર્ટીનું આયોજન કર્યું હતું. જન્મદિવસના એક દિવસ બાદ તેમણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખાસ તસવીરો શેર કરીને ચાહકોને આ ઉજવણીની ઝલક બતાવી હતી. તસવીરોમાં ઝીનત અમાન પોતાના વહાલા ડૉગી સાથે પોઝ આપતાં જોવા મળે છે. તેમની સામે જન્મદિવસની ત્રણ કેક પણ જોવા મળી રહી છે.

ત્રણ કેક સાથે જોવા મળ્યો ખાસ અંદાજ

ઝીનત અમાનની શેર કરેલી તસવીરોમાં બે કેક પર ‘હેપ્પી બર્થડે મમ!’ લખેલું જોવા મળે છે. અભિનેત્રીએ પોતાના ખાસ દિવસની ઉજવણી ઘરના આરામદાયક વાતાવરણમાં પોતાના પાલતુ ડૉગી સાથે કરી હતી. આ તસવીરો સાથે તેમણે એક ભાવુક સંદેશ પણ લખ્યો હતો.

ચાહકો અને બોલિવૂડ સેલેબ્સનો માન્યો આભાર
ઝીનત અમાને પોતાની પોસ્ટમાં લખ્યું કે, જન્મદિવસની શુભેચ્છાઓ, મેસેજ અને પ્રેમ માટે સૌનો ખૂબ આભાર. તેમણે જણાવ્યું કે દરેક શુભેચ્છા વાંચી છે અને તેને દિલથી અનુભવી છે. જીવન એક સુંદર અને અનિશ્ચિત સફર છે. વધુ એક વર્ષ જીવવા, શીખવા, હસવા અને વધુ પ્રેમ કરવા મળ્યો એ તેમના માટે સૌભાગ્યની વાત છે.

તેમણે પોતાના જીવનના આ સફરમાં સાથ આપવા બદલ ફોલોઅર્સનો પણ આભાર માન્યો હતો.

અભિનેત્રીની પોસ્ટ પર બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. ઈશાન ખટ્ટર, મનીષ મલ્હોત્રા અને ચિત્રાંગદા સિંહે હાર્ટ ઇમોજી દ્વારા પ્રેમ વ્યક્ત કર્યો હતો. જ્યારે સેલિના જેટલીએ તેમને જન્મદિવસની શુભેચ્છા આપતાં પ્રેમ વ્યક્ત કર્યો હતો. સોની રાઝદાને પણ ઝીનત અમાનને આઇકોનિક સ્ટાર ગણાવી સ્વસ્થ અને ખુશહાલ જીવનની શુભેચ્છા પાઠવી હતી