અભિનેતા અનંત નાગને મળશે ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’

ભારત સરકારે વર્ષ ૨૦૨૪ માટેના પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારના વિજેતાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પસંદગી સમિતિની ભલામણના આધારે કેન્દ્ર સરકારે કન્નડ ફિલ્મોના સદાબહાર અને બહુમુખી પ્રતિભા ધરાવતા જ્યેષ્ઠ અભિનેતા અનંત નાગની આ સર્વોચ્ચ સિનેમેટિક સન્માન માટે પસંદગી કરી છે.

22 સપ્ટેમ્બરે ગુજરાતના કેવડિયામાં અપાશે એવોર્ડ

ભારતીય સિનેમા ક્ષેત્રે દાયકાઓ સુધી આપેલા અપ્રતિમ અને શાનદાર પ્રદાન બદલ અનંત નાગને આ પુરસ્કારથી નવાજવામાં આવશે. આગામી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા (એકતા નગર) ખાતે ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન થશે, જ્યાં તેમને આ ગૌરવવંતું સન્માન એનાયત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન

અનંત નાગના નામની જાહેરાત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમને હૃદયપૂર્વક શૂભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને લખ્યું, “દિગ્ગજ અભિનેતા અનંત નાગજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેમણે પોતાના સહજ અભિનય અને અદભુત વિવિધતા દ્વારા દાયકાઓ સુધી ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ સિનેમા પર એક ઊંડી છાપ છોડી છે. તેમણે ભજવેલા દરેક પાત્રમાં અનોખી ઊંડાઈ અને વાસ્તવિકતા જોવા મળે છે.”

અનંત નાગની સિનેમા યાત્રા

4 સપ્ટેમ્બર 1948 ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં જન્મેલા અનંત નાગ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અત્યંત આદરણીય અભિનેતા અને નેતા છે. પોતાના લાંબા અને સફળ કરિયરમાં તેમણે વિવિધ ભાષાઓની અસંખ્ય ફિલ્મોમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. કોમેડી, ગંભીર ડ્રામાથી લઈને પડકારજનક ચરિત્ર ભૂમિકાઓ સુધી, તેમણે દરેક પાત્રને પડદા પર જીવંત કર્યું છે.