વાઇબ્રન્ટ ગુજરાત 2027: 31 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે કર્ટન રેઝર કાર્યક્રમ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અમેરિકા અને કેનેડાની સફળ મુલાકાત બાદ હવે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના પ્રચાર-પ્રસારના ભાગરૂપે નવી દિલ્હી ખાતે કર્ટન રેઝર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 31 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે યોજાશે.આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે આ કર્ટન રેઝર કાર્યક્રમ મજબૂત મંચ તૈયાર કરશે.

દિલ્હીમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના મુખ્ય કાર્યક્રમો

  • સવારનું સત્ર (ભારત મંડપમ): મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દેશ-વિદેશના ઉદ્યોગજગતના અગ્રણી પ્રતિનિધિઓ સાથેના સંવાદ સત્રને સંબોધિત કરશે.

  • સાંજનું સત્ર (હોટેલ તાજ પેલેસ): સાંજે યોજાનારા વિશેષ સત્રમાં વિવિધ દેશોના ડિપ્લોમેટિક મિશનના વડાઓ (દૂતો) તથા ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક અને સંવાદ યોજાશે.

વન-ટુ-વન બેઠકો અને અગ્રણી કંપનીઓ

ભારત મંડપમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. જેમાં મુખ્યત્વે ટી.પી.આર.ઈ.એલ., જે.એસ.ડબલ્યુ., એમ.જી. મોટર ઈન્ડિયા, શ્નાઈડર ઈલેક્ટ્રિક, ડી.સી.એમ. શ્રીરામ, સિઓલ સેમિકન્ડક્ટર્સ, શ્રી સિમેન્ટ, એલજી એનર્જી સોલ્યુશન્સ, જેબીએમ ગ્રુપ, મેક્સ હેલ્થકેર, એસીએમઈ સોલાર, પીબી ફિનટેક (પોલિસીબાઝાર) અને મેનકાઇન્ડ ફાર્મા જેવી દિગ્ગજ કંપનીઓના વડાઓ સામેલ થશે.

મુખ્ય ક્ષેત્રો અને રોકાણ અંગે ચર્ચા

આ બેઠકો દરમિયાન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, AI અને ડેટા સેન્ટર્સ, IT, કેમિકલ્સ અને બેન્કિંગ-ફાઇનાન્સ (BFSI) જેવા ક્ષેત્રોમાં રોકાણની નવી તકો, વ્યૂહાત્મક ભાગીદારી અને ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.