વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027: મુંબઈના ધ તાજ મહેલ પેલેસ ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન

ગાંધીનગર: નવી દિલ્હીમાં યોજાયેલા સફળ ‘કર્ટન રેઝર’ કાર્યક્રમ બાદ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 3 સપ્ટેમ્બર 2026ના રોજ મુંબઈના કોલાબા સ્થિત ‘ધ તાજ મહેલ પેલેસ’ ખાતે એક ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રોડ-શોના સાંજના સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ દેશોના કોન્સ્યુલ જનરલ્સ તેમજ દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સીધો સંવાદ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી રાજ્યના ઔદ્યોગિક વિકાસના વિઝન અને નવી રોકાણ તકો વિશે માહિતી આપશે.

રોડ-શો પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેશના અગ્રણી ઔદ્યોગિક ગૃહોના વડાઓ સાથે વન-ઓન-વન (વ્યક્તિગત) બેઠકો પણ યોજશે. આ બેઠકોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ટ્રસ્ટ્સ, મહિન્દ્રા ગ્રુપ, AM/NS ઇન્ડિયા, ગોદરેજ, સન ફાર્મા, સિપ્લા, લાર્સન એન્ડ ટુબ્રો, આદિત્ય બિરલા ગ્રુપ અને RPG એન્ટરપ્રાઈઝિસ જેવી દિગ્ગજ કંપનીઓના પ્રતિનિધિઓ સામેલ થશે.આ સંવાદ દરમિયાન એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન એનર્જી, IT, રિયલ એસ્ટેટ, ઓઇલ અને એનર્જી જેવા ક્ષેત્રોમાં રોકાણ અને વ્યાપારી ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. આ ઉપરાંત, યુવા ઉદ્યોગસાહસિકો સાથે રાઉન્ડટેબલ સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો પ્રારંભ ‘CII’ ના રાષ્ટ્રીય અધ્યક્ષ આર. મુકુંદનના સ્વાગત પ્રવચનથી થશે. રોડ-શો દ્વારા ગુજરાતના મજબૂત ઔદ્યોગિક આધાર, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ-અનુકૂળ નીતિઓને વૈશ્વિક સ્તરે વધુ મજબૂતી મળશે.