વડોદરામાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ

વડોદરા: વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નો પ્રારંભ થયો. મધ્ય ગુજરાત માટે મહત્ત્વના આ કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. મહેસાણા, રાજકોટ અને સુરત એમ ત્રણ VGRCની સફળતા બાદ હવે, મધ્ય ગુજરાતમાં દ્વિ દિવસીય ચોથી VGRC યોજાઈ રહી  છે. અત્યાર સુધી યોજાયેલી ત્રણ VGRCમાં કુલ 9,499 MoU દ્વારા અંદાજે રૂ. 13.30 લાખ કરોડના રોકાણો રાજ્યમાં આવ્યા છે તેમ તેમણે તેમણે ગૌરવસહ જણાવ્યું હતું. મધ્ય ગુજરાતને રાજ્યના વિકાસનું હૃદય ગણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જેવા જિલ્લાઓ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ફાર્મા, એગ્રી ફૂડ પ્રોડક્ટ્સ અને MSME ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.તેમણે જણાવ્યું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની આગવી સોચ અને સમય કરતાં આગળનું વિચારીને તેનું ઈમ્પ્લીમેન્ટેશન કરવાની પ્રતિબદ્ધતાને કારણે ભારત દરેક ક્ષેત્રોમાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમની આ વિઝનરી લિડરશીપના કારણે દુનિયાના દેશો ભારત સાથે વિશ્વાસું મિત્રના ભાવથી જોડાયા છે અને વધુને વધુ દેશો જોડાઈ રહ્યાં છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ સુશાસનમાં ભારતે અર્થતંત્ર, ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. એટલુ જ નહિ, તેમણે ઉદ્યોગોને રેડ ટેપિઝમમાંથી બહાર લાવી રેડ કાર્પેટથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને નવી દિશા આપી છે તેને આગળ વધારતા રાજ્યના જિલ્લાઓના ઔદ્યોગિક અને સ્થાનિક વિકાસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલની નેમ રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સીસથી પાર પડી રહી છે.

મુખ્યમંત્રીએ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોને  VGRCમાં થનારા ડિસ્કશનને ડિસિઝનમાં, આઈડિયાઝને પ્રોજેક્ટ્સમાં અને પ્રોજેક્ટ્સને પ્રોસ્પેરિટીમાં પરિવર્તિત કરવા સાથે મળીને આગળ વધવાનું આહવાન કર્યું હતું. તેમણે આ VGRC માત્ર રોકાણનું પ્લેટફોર્મ નહી પરંતુ સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક તકો સાથે જોડવાનું સશક્ત માધ્યમ ગણાવી હતી. મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓને આવરી લેતી બે દિવસીય VGRCમાં રાજ્યના આ વિસ્તારોના ઔદ્યોગિક વિકાસના નવા અવસરો અને ભાગીદારીને મંચ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

વડોદરા પેટ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઈવી ઈક્વિપમેન્ટ અને ટાટા એરબસ C-295 જેવા એરોસ્પેસ પ્રોજેક્ટ્સના કારણે નવા ઉદ્યોગ ક્ષેત્રોમાં આગેવાની કરી રહ્યું છે. આણંદ દેશનું મિલ્ક કેપિટલ છે અને અમૂલ બ્રાન્ડ વિશ્વમાં ભારતની ઓળખ બની છે તેમજ ખેડા જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ અને MSME ક્ષેત્રે મોટી સંભાવનાઓ રહેલી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

કેન્દ્રીય મંત્રી મનોહર લાલની ખાસ ઉપસ્થિતિ

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, કોઈ પણ રોકાણકાર રોકાણ કરતા પહેલા વિચાર કરે છે જ્યાં એ રોકાણ કરે છે, તે સ્થાન રોકાણ માટે કેટલું ઉચિત છે. શું આ એ સ્થાન છે, જ્યાં તેનો ઉદ્યોગ વિશ્વાસ સાથે આગળ વધી શકે છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આ ઉદ્દેશને વધુ સફળ બનાવવામાં યોગદાન આપે છે. રોકાણકારને વિશ્વાસ હોવો જોઈએ કે સરકારની સ્થિર નીતિઓ, વિશ્વસનીય વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એ તમામ જરૂરી વ્યવસ્થા મળે, જેથી તેનો ઉદ્યોગ સફળ થાય. આ વિશ્વાસ જ ગુજરાતની સૌથી મોટી તાકાત છે.

ઉદ્યોગો માટે રિલાયેબલ પાવર ખૂબ જરૂરી છે. રિલાયેબલ પાવર એ મજબૂત અર્થવ્યવસ્થાની આધારશિલા છે. ગુજરાત આ રિલાયેબલ પાવરમાં ઘણું મોટું યોગદાન આપે છે. ઉદ્યોગો, MSME, ડેટા સેન્ટર, મેટ્રો રેલ અને નવી તકનીકો માટે વીજળી વ્યવસ્થાનું યોગ્ય આયોજન જરૂરી છે. આઝાદ ભારતની સૌથી પીક પાવર ડિમાન્ડ આ વર્ષે 271 ગીગાવોટની રહી છે, તેની અમે આપૂર્તિ કરી છે. અમારી તૈયારી 284 ગીગાવોટ સુધીની હતી. આગામી વર્ષોમાં ડેટા સેન્ટર, ઇવી વાહનો, એઆઇના લીધે પાવર ડિમાન્ડ વધશે તેથી અમે 300 ગીગાવોટ સુધીની તૈયારી કરી રાખી છે. આ માત્ર તકનીકી આયોજન નથી, પરંતુ વર્ષોની યોજના અને તેમાં સુધાર તેમજ અને છેલ્લા 12 વર્ષમાં વડાપ્રધાનના નેતૃત્વમાં જે યોજનાઓ બની તેનું પરિણામ છે.

આજે ભારત વન નેશન, વન ગ્રીડ, વન ફ્રિક્વન્સીના આધારે ઊર્જા ક્ષેત્રને આગળ વધારી રહ્યું છે. વૈશ્વિક ભૂ-રાજકીય ઘટનાઓના સમયે પણ આપણે આપણી ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવીને રાખી છે. આપણી આર્થિક સ્થિરતા રહી છે, જે આશંકાઓ જાહેર કરવામાં આવી રહી હતી, પણ ભારતમાં સ્થિરતા બનાવીને રાખી છે.

શહેરી વિકાસમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પીએમએવાય અર્બન એક બહુ મોટી યોજના જાહેર કરવામાં આવી છે. અત્યારે પીએમએવાય અને પીએમએવાય 2.0 અંતર્ગત 1 કરોડ 27 લાખની આવાસ મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 98.6 લાખ આવાસ પૂર્ણ કરીને લોકોને આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આ યોજનાઓમાં 11.5 લાખથી વધુ આવાસોની મંજૂરી આપવામાં આવી છે,

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ઐતિહાસિક નગરી વડોદરા ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાતના મંચ પરથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “હવે વાઇબ્રન્ટ ગુજરાત માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, પરંતુ ગ્લોબલ પાર્ટનરશિપનું પ્રતીક બની ગઈ છે. તે ઇનોવેશનને પ્રોત્સાહન આપનારું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સતત આર્થિક પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે.”

તેમણે પંચમહાલ, મહિસાગર, દાહોદ અને છોટા ઉદેપુરની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ પર ગર્વ વ્યક્ત કરતાં જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં આવેલું દુનિયાનું સૌથી ઊંચું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આજે સમગ્ર ભારતના ગૌરવનું પ્રતીક બની ચૂક્યું છે.

મધ્ય ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાને ઉજાગર કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “આપણે માત્ર ઇતિહાસની ગાથા કહી રહ્યા નથી પરંતુ ભવિષ્યનું નિર્માણ પણ કરી રહ્યા છીએ. ગુજરાતના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં લગભગ 28 ટકા યોગદાન મધ્ય ગુજરાત ક્ષેત્રનું છે. વર્ષ 2025-26માં અહીંથી 20.5 અબજ ડોલરથી વધુના પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થયા છે, જે વિશ્વના વિવિધ દેશો સુધી પહોંચી રહ્યા છે.”

તેમણે ઉમેર્યું કે, આજે મધ્ય ગુજરાતમાં 65થી વધુ GIDC એસ્ટેટ્સ છે, જેમાં 24,000થી વધુ ઔદ્યોગિક પ્લોટ સક્રિય છે. “ગુજરાતના 92 ટકા ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ, 70 ટકા બેવરેજ પ્રોસેસિંગ, 63 ટકા ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં મધ્ય ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે. આપણે માત્ર ગ્લોબલ સપ્લાય ચેઇનનો ભાગ નથી બની રહ્યા, પરંતુ તેનું નેતૃત્વ કરી રહ્યા છીએ.”

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, “મધ્ય ગુજરાતની પ્રગતિની આ માત્ર શરૂઆત છે. સેન્ટ્રલ ગુજરાત ઇકોનોમિક માસ્ટર પ્લાન હેઠળ આગામી 20 વર્ષોની વિકાસ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.” તેમણે જણાવ્યું કે, આ આયોજન હેઠળ છોટા ઉદેપુરને ભારતનું આગામી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબ બનાવવામાં આવશે અને વડોદરાને દેશનું સૌથી મોટું બાયોઇકોનોમી હબ બનાવવાની દિશામાં કાર્ય ચાલી રહ્યું છે.