સુરત વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ: ઉદ્યોગ, કૃષિ, ગ્રીન એનર્જી, સેવા ક્ષેત્રના સ્ટોલ એક છત નીચે

Gujarat Foundation Day: CM Bhupendra Patel Inaugurates Vibrant Gujarat Regional Conference in Surat to Boost South Gujarat's Industrial Growth

સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સ્થાપના દિવસે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સું શહેરમાં ઉદ્ઘાટન કર્યું.  ત્યારબાદ પ્રદર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. તેમણે નવીન ટેકનોલોજી, ગ્રીન એનર્જી એકમો, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને સેવા ક્ષેત્રના વિકસતા મોડલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે તેમણે રાજ્યના વિકાસમાં ખાનગી ક્ષેત્ર, ઉદ્યોગકારો અને યુવાનોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી પ્રોત્સાહન આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ‘વાઈબ્રન્ટ ગુજરાત’ના વૈશ્વિક વિઝનને વધુ વ્યાપક બનાવવા માટે પ્રાદેશિક સ્તરે આ પ્રકારની કોન્ફરન્સ યોજવાનો નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ પહેલના માધ્યમથી રાજ્યના દરેક વિસ્તારમાં રહેલા વિકાસના અવસરોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુરત ખાતે આયોજિત આ બે દિવસીય કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, MSME અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ સક્રિય ભાગ લઈ રહ્યા છે. કોન્ફરન્સનો મુખ્ય હેતુ રિજનલ ઇન્ડસ્ટ્રીય ગ્રોથને ગતિ આપવી, રોકાણકારોને આકર્ષવા અને રોજગારના નવા અવસરો ઉભા કરવાનો છે. આ પ્રદર્શનને ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્ર એમ મુખ્ય ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન અંતર્ગત નવીન પ્રોડક્ટ્સ, ટેકનોલોજી, મશીનરી, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને સરકારી યોજનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં સોલાર અને વિન્ડ એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાતની ઓળખરૂપ કૃષિ વૈવિધ્યને પ્રદર્શિત કરતો ‘મેન્ગો ફેસ્ટિવલ’ પણ યોજાયો છે. જેમાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ઉગતી કેરીની જાતો રજૂ કરવામાં આવી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ટ્રેડ ફેરનો પણ પ્રારંભ કરાવ્યો હતો અને પ્રદર્શન દ્વારા ઊભી થનારી વ્યવસાયિક સંભાવનાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રકારની પ્રાદેશિક કોન્ફરન્સ રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગજગતના આગેવાનો અને દેશ-વિદેશના પ્રતિનિધિઓ જોડાયા હતા.