મધ્ય ગુજરાતમાં રોજગાર અને ઉદ્યોગો માટે ખુલશે પ્રગતિના નવા દ્વાર

વડોદરા: ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગો અને સ્થાનિક રોજગારીને વેગ આપવા માટે આગામી ૨૯ અને ૩૦ જૂન ૨૦૨૬ના રોજ વડોદરા ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના કેન્દ્રસમા વડોદરામાં યોજાનારી આ હાઈ-પ્રોફાઈલ સમિટ પ્રદેશના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારના અભૂતપૂર્વ દ્વાર ખોલશે.

વડોદરા જિલ્લામાં ૧.૧૭ લાખથી વધુ યુવાનોને મળી રોજગારી

રોજગાર ક્ષેત્રે વડોદરા જિલ્લાની ઉપલબ્ધિઓ વર્ણવતા સત્તાવાર આંકડા દર્શાવે છે કે, વિવિધ સરકારી યોજનાઓ, પોર્ટલ્સ અને ભરતી મેળાઓ જેવા માધ્યમો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧.૧૭ લાખ યુવાનોને સફળતાપૂર્વક રોજગારી પૂરી પાડવામાં આવી છે. છેલ્લાં ૫ વર્ષના ટૂંકાગાળામાં જ વડોદરામાં ૨૪૦ જેટલા ઔદ્યોગિક ભરતી મેળાઓ (Job Fairs)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૯ હજારથી વધુ ઉમેદવારોને સ્થળ પર જ (On the spot) નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.

‘અનુબંધમ’ અને ‘નેશનલ કરિયર સર્વિસ’: ડિજિટલ યુગમાં રોજગારનો સેતુ

ટેક્નોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ સાથે રાજ્ય સરકારનું ‘અનુબંધમ’ પોર્ટલ અને તેની મોબાઈલ એપ આજે પ્રતિભાશાળી યુવાનો અને નોકરીદાતાઓ (Employers) વચ્ચે એક મજબૂત કડી સાબિત થઈ રહ્યાં છે. આ ઉપરાંત, ભારત સરકારના ‘નેશનલ કરિયર સર્વિસ’ (NCS) પોર્ટલ થકી ગુજરાતના કુશળ યુવાનોને દેશની સાથે-સાથે વિદેશમાં પણ આજીવિકા મેળવવાની વિશાળ તકો પ્રાપ્ત થઈ રહી છે.

ગ્લોબલ કરિયર માટે વડોદરાનું ‘વિદેશ રોજગાર કેન્દ્ર’ આશીર્વાદરૂપ

વૈશ્વિક સ્તરે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે વડોદરા ખાતે કાર્યરત વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર’ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ કેન્દ્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ અભ્યાસ કરવા અને વિદેશમાં નોકરી મેળવવા ઈચ્છતા સ્થાનિક યુવાનોને સચોટ, અધિકૃત અને વિનામૂલ્યે માર્ગદર્શન પૂરું પાડીને તેમના ગ્લોબલ કરિયરના સપના સાકાર કરી રહ્યું છે.

આગામી ૨૯-૩૦ જૂને યોજાનારી આ રિજનલ કોન્ફરન્સ મધ્ય ગુજરાતના તમામ ૧૦ જિલ્લાના આર્થિક અને સામાજિક માળખાને વધુ સુદ્રઢ બનાવશે, તેમ ઉદ્યોગ જગતના નિષ્ણાતો માની રહ્યા છે.