ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઃ 18 વિરુદ્ધ 56 નિવૃત્ત ન્યાયાધીશોની ચિઠ્ઠી

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને મુદ્દે 50થી વધુ ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં ગૃહમંત્રી અમિત શાહને લઈને કેટલાક નિવૃત્ત ન્યાયાધીશોની ટિપ્પણીઓ પર કડક વાંધો ઉઠાવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય નિવેદનોને કારણે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે.

56 ભૂતપૂર્વ ન્યાયાધીશોનું ખુલ્લો પત્ર

આ ઓપન લેટર દેશના 56 પૂર્વ ન્યાયાધીશોના હસ્તાક્ષર સાથે જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમ, રંજન ગોગોઈ તેમ જ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ઘણા ભૂતપૂર્વ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. નિવૃત્ત ન્યાયાધીશોએ કહ્યું છે કે કેટલાક ભૂતપૂર્વ ન્યાયાધીશો વારંવાર રાજકીય નિવેદનો આપી રહ્યા છે અને ન્યાયિક સ્વતંત્રતાને નામે પક્ષપાતપૂર્ણ વલણ અપનાવી રહ્યા છે, જેને કારણે ન્યાયતંત્રની પ્રતિષ્ઠા અને નિષ્પક્ષતાને નુકસાન થઈ રહ્યું છે.

સુદર્શન રેડ્ડી પર અમિત શાહની ટિપ્પણી

ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સુદર્શન રેડ્ડી દ્વારા સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ રહેતા ‘સલવા જુડૂમ’ મામલે આપેલા ચુકાદાને લઈને ટિપ્પણી કરી હતી. શાહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ સુદર્શન રેડ્ડી એ જ વ્યક્તિ છે, જેણે નક્સલવાદને મદદ કરી. તેમણે સલવા જુડૂમ પર ચુકાદો આપ્યો. જો એ ચુકાદો ન આવ્યો હોત તો 2020 સુધી નક્સલી અતિરેકવાદ સમાપ્ત થઈ ગયો હોત.

18 પૂર્વ ન્યાયાધીશોનો રેડ્ડીને ટેકો

અમિત શાહના આ નિવેદન પર સુદર્શન રેડ્ડીએ કહ્યું હતું કે તેઓ બિલકુલ નક્સલ સમર્થક નથી અને ભારતનું બંધારણ જ તેમની વિચારધારા છે. તેમનું કહેવું હતું કે સલવા જુડૂમનો ચુકાદો સુપ્રીમ કોર્ટનો હતો અને તે માવોવાદીઓના પક્ષમાં નહોતો. તેમના સમર્થનમાં 18 પૂર્વ ન્યાયાધીશો આગળ આવ્યા હતા અને અમિત શાહની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.