Video: ભાવનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ભાવનગર પહોંચી ગયા છે. તેમનો રોડ શો પણ શરૂ થઈ ગયો છે. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. લોકોએ મોદી… મોદીના નારા પણ લગાવ્યા હતા. પીએમ મોદીના આગમનના પગલે ભાવનગર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

પીએમ મોદીનું ભાવનગર એરપોર્ટ મુખ્યપ્રધાન, મંત્રી મંડળ, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યાંથી કોન્વોય સાથે મહિલા કોલેજ સર્કલ પહોંચ્યા બાદ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો શરૂ થયો હતો. મહિલા કોલેજ, આંબાવાડી સર્કલ, ઘોઘા સર્કલથી રૂપાણી સર્કલ સુધીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ કાર્યક્રમ બાદ તેઓ બપોરે અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થશે. જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યારસુધી તૈયાર થયેલા કામનું નિરીક્ષણ કરશે.

તેમજ પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.