ભુવનેશ્વરઃ ઓડિશા વિજિલન્સે ભ્રષ્ટાચારના એક મોટા મામલાનો ભાંડો ફોડ કરતાં કટક સર્કલના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ માઇન્સ દેવબ્રત મોહંતીની 30,000 રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમના ભુવનેશ્વર સ્થિત ફ્લેટ તેમ જ અન્ય સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી ચાર કરોડ રૂપિયાથી વધુ રોકડ રકમ જપ્ત કરવામાં આવી. આ ઓડિશા વિજિલન્સના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રોકડ જપ્તી ગણાવવામાં આવી રહી છે.
ભુવનેશ્વરમાં તપાસ દરમિયાન આવેલા તેમના ફ્લેટ અને અન્ય સ્થળોએ તલાશી લેવામાં આવી હતી. એ દરમિયાન અધિકારીઓને ચાર કરોડ રૂપિયાથી વધુ રોકડ મળી આવી. એ ઉપરાંત દેવબ્રત મોહંતીના ઓફિસમાંથી 1.20 લાખ રૂપિયા રોકડ પણ મળી હતી.
ઘણા તોલા સોનું પણ મળ્યું
* વિજિલન્સ અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસમાં ભુવનેશ્વરમાં એક બે માળનું મકાન અને અંદાજે 130 ગ્રામ સોનું પણ જપ્ત થયું છે. હાલ ટીમ અન્ય સંપત્તિઓ અને દસ્તાવેજોની તપાસ કરી રહી છે.
* આ મામલો કટક સર્કલ સાથે સંબંધિત છે અને આગળની તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. એજન્સીએ સંકેત આપ્યો છે કે આરોપીની આવક કરતાં વધુ સંપત્તિ બાબતે પણ તપાસ કરવામાં આવશે.
* ભુવનેશ્વરના પહાલ વિસ્તારમાં અંદાજે 2400 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલું ભવ્ય બે માળનું મકાન પણ તપાસ હેઠળ છે.

ફરિયાદ પરથી કાર્યવાહી
મહત્વનું છે કે લાઇસન્સ ધરાવતા એક કોલસા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે તેના ડિપોનું કાર્ય સુચારુ રીતે ચલાવવા અને કોલસા પરિવહન સંબંધિત મંજૂરીમાં સહકાર આપવા બદલ 30,000 રૂપિયાની માગ કરવામાં આવી રહી હતી.
ફરિયાદની સત્યતા તપાસ્યા બાદ વિજિલન્સ ટીમે જાળ બિછાવી
મંગળવારે પૂર્વનિયોજિત યોજના મુજબ જેમ જ વેપારીએ આરોપી અધિકારીને 30,000 રૂપિયા આપ્યા, તેમ જ ટીમે તેને સ્થળ પર જ પકડી લીધો. હાલ વિજિલન્સની દરોડા અને તપાસ કાર્યવાહી ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગળ વધુ સંપત્તિઓ બહાર આવવાની શક્યતા છે. કેસ અંગે વિગતવાર અહેવાલ બાદમાં જાહેર કરવામાં આવશે.




