નવી દિલ્હી: પ્રખ્યાત રોકાણકાર વિજય કેડિયાનો એક વિડીયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગયો છે. તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાતો પર કટાક્ષ કરતો અને સાથે જ ભારતના વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પની જોરદાર હિમાયત કરતો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.વિજય કેડિયા આ વીડિયોમાં ઉત્સાહથી ‘રચના હૈ ફિર ઇતિહાસ’ ગીત ગાતા નજરે પડે છે. હિન્દી ફિલ્મ બ્રહ્મચારી (૧૯૬૮)ના સંગીત નિર્દેશક શંકર જયકિશન દ્વારા રચિત બોલિવૂડ ગીત ‘દિલ કે ઝરોખે મેં’ ની ધૂન પર તેમણે આ ગીત તૈયાર કર્યું છે. ગીતનો મૂળ હાર્દ જો અમેરિકા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાનું ચાલુ રાખે તો ભારત માટે પણ નવેસરથી આર્થિક ઇતિહાસ રચવાની તક છે એ પ્રકારનો છે. તેમણે ભારતીયોને “ઇતિહાસ ફરીથી લખવા” અને એક મજબૂત, આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે આ ગીતમાં હાકલ કરી છે. તેમણે આ ગીતમાં પ્રતિકૂળતાને તકમાં ફેરવવાના વ્યાપક વિષયને પ્રતિબિંબિત કર્યો છે.
વિજય કેડિયા એક પ્રખ્યાત ભારતીય રોકાણકાર અને શેરબજારના નિષ્ણાંત છે. કોલકાતાના મારવાડી પરિવારમાં જન્મ થયો હતો. વિજય કેડિયાના પિતા સ્ટોક બ્રોકર હતા. 1978માં, જ્યારે વિજય 10મા ધોરણમાં હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયું, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ. તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પરંતુ શેરબજારમાં શરૂઆતમાં નિષ્ફળતા મળી. આજના સમયે તેમનું નામ શેરબજારમાં સફળતાનું પર્યાય છે. નાની ઉંમરે જ તેમને શેરબજારમાં રસ જાગ્યો અને 19 વર્ષની ઉંમરે તેમણે ટ્રેડિંગ શરૂ કર્યું.
1990માં વિજય કેડિયા કોલકાતાથી મુંબઈ આવ્યા. 1992માં તેમણે પંજાબ ટ્રેક્ટર્સના શેરમાં રોકાણ કર્યું, જેનાથી તેમને 500% નફો થયો. ત્યારબાદ એસીસી (ACC)ના શેરમાં રોકાણથી 10 ગણો નફો થયો, જેનાથી તેમણે મુંબઈમાં ઘર ખરીદ્યું. 2004-05માં તેમણે અટલ ઓટો, એજિસ લોજિસ્ટિક્સ અને સેરા સેનિટરીવેરમાં રોકાણ કર્યું, જે 10-12 વર્ષમાં 100 ગણા વધ્યા.
