નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાન પર ભારે હુમલો કર્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક આવેલાં ત્રણ સ્થાનો પર જોરદાર બોમ્બમારો કરવામાં આવ્યો છે. અમેરિકા દાવો કરી રહ્યું છે કે તેનું મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કહ્યું છે કે ઈરાને અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર પાડી દીધું હતું અને તેના જવાબમાં આ બોમ્બમારો કરવામાં આવ્યો છે.
ઈરાની મીડિયાના જણાવ્યાનુસાર અનેક સ્થળોએ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા, જ્યારે સિરિક, જાસ્ક અને કુહ-એ-મોબારક વિસ્તારોમાં પ્રોજેક્ટાઇલ પડ્યાની પણ પુષ્ટિ થઈ છે. અમેરિકાએ આ હુમલાઓને ઈરાનની અનુચિત આક્રમકતાનો પ્રમાણસર જવાબ ગણાવ્યો છે. બીજી તરફ આ કાર્યવાહી બાદ તહેરાને પણ આકરું વલણ અપનાવ્યું છે અને અમેરિકાને ફારસની ખાડી વિસ્તાર છોડવાની ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે હવે તેની સામે થનારા દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે.
અમેરિકાનો મોટો દાવો
એક અમેરિકન અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાનમાં આશરે 20 સ્થાનોને નિશાન બનાવ્યાં છે. એ સાથે જ ઈરાન દ્વારા છોડવામાં આવેલી લગભગ તમામ મિસાઇલ અને ડ્રોનને રસ્તામાં જ તોડી પાડવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
જોર્ડનમાં અમેરિકી બેઝ પર ઈરાનનો હુમલો
IRGએ દાવો કર્યો છે કે તેણે જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથક પર હુમલો કર્યો છે. ઈરાને એ પણ કહ્યું છે કે તેણે ખાડી વિસ્તારમાં અન્ય 21 સ્થળોએ પણ હુમલા કર્યા છે.
અમેરિકાએ હુમલો શા માટે કર્યો?
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો છે કે ઈરાને અમેરિકાનું હેલિકોપ્ટર પાડી દીધું હતું અને તેના જવાબમાં જ આ મોટી સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાએ ઈરાન પર ભીષણ હુમલો કર્યો છે, જેમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીકનાં ત્રણ સ્થળોએ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. અમેરિકા કહે છે કે તેનું મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.






