મણિપુરમાં ફરી હિંસાઃ ઉગ્રવાદીઓએ અનેક ઘરોમાં લગાવી આગ

નવી દિલ્હીઃ મણિપુરના ઉખરુલ જિલ્લામાં સશસ્ત્ર ઉગ્રવાદીઓએ અનેક મકાનોને કથિત રીતે આગ લગાવી દીધી છે. તંગખુલ નાગા સમુદાયના એક સભ્ય પર લોકોના એક જૂથે હુમલો કર્યા બાદ વિસ્તારમાં તણાવ વધ્યો હતો. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે સાંજે જિલ્લાના લિટાન ગામમાં બે આદિવાસી જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યાર બાદ પ્રશાસને કલમ 144 લાગુ કરી દીધી છે.

તેમણે જણાવ્યું હતું કે મધરાતની આસપાસ લિટાન સરેઇખોંગ વિસ્તારમાં તંગખુલ નાગા સમુદાયનાં અનેક મકાનોને કથિત રીતે કુકી ઉગ્રવાદીઓ દ્વારા આગ લગાવવામાં આવી હતી. નજીકના વિસ્તારમાં કુકી સમુદાયના કેટલાક લોકોનાં ઘરોને પણ સળગાવી દેવામાં આવ્યાં હતાં. તંગખુલ મણિપુરની સૌથી મોટી નાગા જનજાતિ છે, જ્યારે લિટાન સરેઇખોંગ કુકી બહુમતી ધરાવતું ગામ છે. જિલ્લાના એક અધિકારીએ જણાવ્યું હતું કે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સ્થિતિ હજુ તણાવપૂર્ણ છે. અધિકારીઓએ કહ્યું હતું કે ફાયરિંગ અને પથ્થરમારા બાદ ઉખરુલમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા વિડિયો ફુટેજમાં સશસ્ત્ર લોકો ગામમાં મકાનો અને વાહનોને આગ લગાવતા અને આધુનિક હથિયારો સાથે હવામાં ગોળીબાર કરતા દેખાઈ રહ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા શંકાસ્પદ લોકોની અવરજવર રોકવા માટે મહાદેવ, લંબુઈ, શાંગકાઈ અને લિટાન તરફ જતા અન્ય વિસ્તારોમાં વધારાની સુરક્ષા તહેનાત કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે રવિવારે સાંજે સુરક્ષા દળોએ લિટાન સરેઇખોંગ ગામમાં આમને-સામને ભીડેલાં બે આદિવાસી જૂથોને વિખેરવા માટે આંસુ ગેસના ગોળા છોડ્યા હતા. ઉખરુલ જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તંગખુલ નાગા અને કુકી સમુદાયના સભ્યો વચ્ચે વધેલા તણાવને કારણે ગામમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા ભંગ થવાની શક્યતા છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ દાસે જાહેરનામામાં જણાવ્યું કે રવિવારે સાંજે સાત વાગ્યાથી આગળના આદેશ સુધી કોઈ પણ વ્યક્તિને પોતાના નિવાસસ્થાનની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. આ આદેશ સરકારી અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ પર લાગુ નહીં પડે.