કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) સામેનું પ્રદર્શન હવે હિંસક બની ગયું છે. ગુરુવારે ઉત્તર દિનાજપુરના ચાકુલિયામાં ગુસ્સે ભરાયેલી ભીડે BDO (બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર)ની કચેરીમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી હતી. આ તોડફોડ અને આગજનીમાં અંદાજે 20 લાખ રૂપિયાની સરકારી સંપત્તિનું નુકસાન થયું છે.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ચાકુલિયા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જ ઘાયલ થયા છે. ભારે હોબાળા બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. બબાલ બાદ હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે આ મામલે ચાકુલિયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ચૂંટણી પંચે શું જણાવ્યું?
આ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળના ચીફ ઇલેકશન ઓફિસર (CEO)એ ટ્વીટ કરીને જણાવ્યું છે કે સુજોય ધર, WBCS (Exe.), BDO ગોલપોખર-2 અને AERO ગોલપોખર વિધાનસભા ક્ષેત્રે ચાકુલિયા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે ઉપદ્રવી તત્ત્વોની ભીડે BDO કચેરીમાં તોડફોડ કરી, જેને કારણે આશરે 20 લાખ રૂપિયાની સરકારી સંપત્તિને નુકસાન થયું અને સરકારી અધિકારીઓને ઇજા પહોંચી છે. ચાકુલિયા પોલીસ સ્ટેશને FIR નોંધાવી લીધી છે. પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવ અને રાજ્યના ડીજીપી દ્વારા SIRની સુનાવણી સ્થળોએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
ભારે આગજની અને તોડફોડ
હંગામો કરનાર લોકોનો આરોપ છે કે મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વેરિફિકેશન હિયરિંગ માટે તેમને વારંવાર નોટિસ મોકલવામાં આવી રહી છે અને વારંવાર સુનાવણી માટે બોલાવીને હેરાન કરવામાં આવી રહ્યા છે. BDO કચેરીની અંદર ભારે તોડફોડ કરવામાં આવી. કોમ્પ્યુટરો તોડી નાખવામાં આવ્યાં, ફાઈલોમાં આગ લગાવવામાં આવી, સરકારી દસ્તાવેજો ફાડી નાખવામાં આવ્યા, ફર્નિચર સંપૂર્ણ રીતે તહસ-નહસ કરી નાખવામાં આવ્યું અને બારી-દરવાજા તોડી નાખવામાં આવ્યા. ત્યાર બાદ કચેરીનો માલસામાન બહાર કાઢીને સળગાવી દેવામાં આવ્યો. ફાયર બ્રિગેડ BDO કચેરી સુધી પહોંચી ન શકે તે માટે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા અને ટાયરો સળગાવીને આગ લગાવવામાં આવી હતી.





