અમદાવાદ: સાચું શિક્ષણ એ જ છે જે બાળકોને પુસ્તકોથી આગળ વધીને પ્રકૃતિ સાથે જોડતાં શીખવે. સામાજિક વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના સુમેળને સાર્થક કરતા વિસામો કિડ્સ ફાઉન્ડેશને તેના રેસિડેન્શિયલ કેમ્પસમાં રેઈનવોટર રિચાર્જ, સોલાર પાવર પ્લાન્ટ અને સોલાર લાઈટ્સ જેવી સુવિધાઓ શરૂ કરી એક અનોખી પહેલ કરી છે. આ પ્રયોગ દર્શાવે છે કે સંસ્થા માત્ર બાળકોના ઉછેર કે કલ્યાણ પૂરતી સીમિત નથી, પરંતુ પર્યાવરણની જાળવણી માટે પણ એટલી જ પ્રતિબદ્ધ છે.
સોલાર પાવરથી રૂ. ૬ લાખની બચત
કેમ્પસમાં સ્થાપિત સોલાર સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં ૧,૧૧,૬૯૫ kWh ક્લીન એનર્જી ઉત્પન્ન કરવામાં આવી છે. જેનાથી સંસ્થાને અંદાજે રૂ. ૬ લાખ જેવી મોટી નાણાકીય બચત થઈ છે. પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટવાથી કેમ્પસનું કાર્બન પ્રદૂષણ પણ ઓછું થયું છે. આ સાથે ખુલ્લા વિસ્તારોમાં સોલાર લાઈટો લગાવવામાં આવી છે, જે રાત્રિના સમયે વીજ વપરાશ ઘટાડે છે.
ભૂગર્ભ જળ સંચય અને પ્રાયોગિક પાઠશાળા
વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ થાય અને ભૂગર્ભ જળનું સ્તર સુધરે તે માટે કેમ્પસમાં ખાસ રેઈનવોટર રિચાર્જ સિસ્ટમ પણ તૈયાર કરાઈ છે. આ તમામ ગ્રીન સુવિધાઓ અહીં રહેતાં બાળકો માટે એક પ્રાયોગિક પાઠશાળા સાબિત થઈ રહી છે. બાળકો નાની ઉંમરથી જ કુદરતી સંસાધનોનું મૂલ્ય સમજે છે અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનીને જવાબદાર નાગરિક બનવા તરફ આગળ વધે છે.
સંસ્થાના વ્યવસ્થાપકોના જણાવ્યા મુજબ, બાળકોની સંભાળ રાખવાનો સાચો અર્થ તેમને એક સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ પૂરું પાડવાનો છે. વિસામો કિડ્સ ફાઉન્ડેશનના આ પ્રયાસો સાબિત કરે છે કે પર્યાવરણ સંરક્ષણ એ શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસનો એક અવિભાજ્ય ભાગ છે.




