વિશ્વ હિન્દુ પરિષદ (VHP)દ્વારા દેશભરમાં ‘હિત ચિંતક અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 6 ડિસેમ્બર સુધી ચાલશે. તેના દ્વારા દેશભરમાં 5 કરોડથી વધુ લોકોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા સમગ્ર દેશમાં ‘હિત ચિંતક અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 6 ડિસેમ્બર સુધી ચાલશે. VHPએ આ અભિયાન અંતર્ગત દેશભરમાં 5 કરોડથી વધુ હિત ચિંતકો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાંથી 11 લાખ લોકોને જોડવાનો લક્ષ્યાંક છે, જ્યારે નાગપુર શહેર અને જિલ્લામાં 1 લાખ લોકોને જોડવાની યોજના છે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ઘરે-ઘરે જઈને લોકોને આ અભિયાન વિશે માહિતી આપી રહ્યા છે અને સભ્યપદ આપી રહ્યા છે. વિદર્ભના મહામંત્રી પ્રશાંત તિતરેએ આ અંગે માહિતી આપી હતી.
12,500 ગામો સુધી પહોંચશે VHP
VHPના હિત ચિંતક અભિયાન હેઠળ વિદર્ભ પ્રાંતનાં 12,500 ગામો સુધી પહોંચવાનું આયોજન છે. દરેક જિલ્લા અને વસાહતમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 15 વર્ષથી વધુ ઉંમરના મહિલા, પુરુષ અને યુવાનો આ અભિયાન સાથે જોડાઈ શકે છે.
હાલમાં સમગ્ર વિદર્ભમાં 3,500 કાર્યકરો આ અભિયાનમાં જોડાયા છે. તેઓ દરરોજ સવારે ચાર કલાક અને સાંજે ચાર કલાક ઘરે-ઘરે જઈને લોકોને અભિયાન સાથે જોડવાનું કામ કરી રહ્યા છે.
કોણ જોડાઈ શકે છે આ અભિયાનમાં?
VHPના વિદર્ભના મહામંત્રી પ્રશાંત તિતરેના જણાવ્યા અનુસાર, જે લોકો વિશ્વ હિન્દુ પરિષદ અને સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે તેઓ આ અભિયાન સાથે જોડાઈ શકે છે. સંગઠનનો ઉદ્દેશ દેશના દરેક ગામ સુધી પહોંચવાનો છે.
દુર્ગમ વિસ્તારો, મણિપુર અને પૂર્વ ભારતનાં અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા માટે પણ અલગ આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં કાર્યકરો પહોંચીને લોકોને અભિયાન સાથે જોડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઓગસ્ટ મહિનામાં VHPએ દેશનાં 3.5 લાખ ગામોમાં સાધુ-સંતોને મોકલવાનો નિર્ણય પણ લીધો હતો.
20 રૂપિયાનું સભ્યપદ શુલ્ક લેવામાં આવશે
પ્રશાંત તિતરેના જણાવ્યા અનુસાર, આ અભિયાન દ્વારા સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચીને વિશ્વ હિન્દુ પરિષદનાં કાર્યો, ઉદ્દેશો અને સામાજિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત હિન્દુ સમાજનું સંગઠન, સામાજિક સમરસતા, સંસ્કૃતિ અને પરંપરાઓનું સંવર્ધન, ગૌસેવા, ગૌરક્ષણ, ધર્માંતરણ વિરુદ્ધ જાગૃતિ અને સામાજિક મૂલ્યોનું જતન જેવા મુદ્દાઓ અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ અભિયાનમાં જોડાવા ઇચ્છુક નાગરિકો પાસેથી 20 રૂપિયાનું શુલ્ક લેવામાં આવે છે. VHPના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈપણ રાજકીય પક્ષ, સંપ્રદાય કે વિચારધારા સાથે જોડાયેલી વ્યક્તિ, જો સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવતી હોય તો આ અભિયાન હેઠળ જોડાઈ શકે છે.




