વર્લ્ડ ફોટોગ્રાફી ડે: ‘લંબી કહાનીયાં’ તસવીરી પ્રદર્શન

અમદાવાદ: એક તસવીર હજાર શબ્દો બરાબર..આ ઉક્તિ ઘણી વખત સાંભળી હશે. આ સાથે તસવીરો યાદો, ઘટનાઓ, દસ્તાવેજીકરણ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તસવીરો કંડારવાના સાધનો બદલાતા રહ્યા. એમાં જૂના ધમણવાળા કેમેરાથી માંડી બ્લેક એન્ડ વ્હાઈટ, કલર રોલ, (ટ્રાન્સપરન્સી સ્લાઈડ), ડિજિટલ કેમેરા અને હવે મિરર લેસ કેમેરાનો જમાનો આવ્યો. વચ્ચેના સમયગાળામાં જબરદસ્ત ગુણવત્તા માટે જાણીતા હેસલબ્લેડ કેમેરા પર મોટાપાયે કામ થયું. ડિજિટલ અને રોલ વચ્ચેના સમયગાળામાં હેસલબ્લેડ કેમેરાથી અમદાવાદના ખ્યાતનામ તસવીરકાર વિવેક દેસાઈએ એક વિશિષ્ટ તસવીરી યાદો કંડારવાનું શરૂ કર્યુ.

વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના દિવસે શરૂ થયેલા તસવીરી પ્રદર્શનમાં વિવેક દેસાઈ ચિત્રલેખા.કોમને કહે છે બહુ જ ઓછા લોકો પાસે જ્યારે ( 1998 માં લોન્ચ થયેલ) હેસલબ્લેડ કેમેરા હતો. એ વેળાએ રઘુરાય સાથેની ગોષ્ઠિ બાદ મેં અમદાવાદથી મુંબઈ જઈ ખરીદ્યો. 2002ના વર્ષથી એની પર કામ શરૂ કર્યુ. અદ્ ભુત ફોર્મેટ ક્ષમતા ધરાવતો, પેનોરમિક વ્યુ.. આપતા આ કેમેરા દ્વારા અનેક તસવીરો યાદો રૂપે કંડારી હતી. 19 ઓગષ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસે વિવેક દેસાઈની ‘લંબી કહાનીયા’ વિષય સાથે હેસલબ્લેડ કેમેરાથી લીધેલી જીવંત અનોખી તસવીરો અલગ તારવી. આ તસવીરોનું પ્રદર્શન સત્ય આર્ટ ગેલેરી, નવજીવન ટ્રસ્ટ ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)