દુર્ઘટનાનો અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જુઓઃ રામમોહન નાયડુ

અમદાવાદઃ અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માત મામલે નાગરિક ઉડ્ડયન મંત્રીએ રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે અંતિમ રિપોર્ટ સામે આવ્યા પછી જ આખી સ્થિતિ સ્પષ્ટ થશે. એર ઈન્ડિયાની ફ્લાઈટ 171 દુર્ઘટનાની શિકાર બની હતી, ત્યાર બાદ એએઆઈબી (AAIB) દ્વારા પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નાયડુએ કહ્યું હતું કે આ રિપોર્ટની તપાસ ચાલી રહી છે, પરંતુ અકસ્માતનું સાચું કારણ અંતિમ રિપોર્ટમાં જ ખૂલશે.

 AAIB દ્વારા 15 પાનાંનો પ્રારંભિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. રામમોહન નાયડુએ લખ્યું હતું  કે આ એક પ્રાથમિક રિપોર્ટ છે અને મંત્રાલયમાં અમે તેનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અમે AAIB સાથે સંકલન કરી રહ્યા છીએ જેથી તેમનાથી જરૂરી સહાયતા મળી શકે. આશા છે કે અંતિમ રિપોર્ટ જલદી આવશે જેથી કોઈ નિષ્કર્ષ પર આવી શકાય. મને ખરેખર વિશ્વાસ છે કે અમારા પાઈલટ્સ અને ક્રૂ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. પાઈલટ્સ અને ક્રૂ વિમાની ઉદ્યોગની મજબૂત પીઠ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આ અકસ્માતની તપાસ સંપૂર્ણ પારદર્શિતાથી કરવામાં આવી છે. હાલ પ્રારંભિક રિપોર્ટ છે અને મંત્રાલય તેનું વિશ્લેષણ કરી રહ્યું છે. અંતિમ રિપોર્ટ પછી જ કોઈ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે. અમે AAIB સાથે સતત કોર્ડિનેશનમાં છીએ અને તેમને જે મદદ જોઈતી હશે, આપીશું.

12 જૂનના દુર્ઘટનાનું વર્ણન

એર ઈન્ડિયાનું વિમાન 12 જૂને બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન માટે ઉડાન ભરી હતી, પરંતુ રનવે પરથી ટેકઓફ કર્યા બાદ થોડા જ સમયમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન એક મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે ટકરાયું હતું. વિમાનમાં કુલ 242 મુસાફરો હતા, જેમમાંથી 241ના મોત થયાં હતાં. સ સાથે હોસ્ટેલમાં રહેલા લોકો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. કુલ મળીને 250થી વધુ લોકોનાં મોત થયાના અહેવાલ છે.