ગંદા પાણીનો કહેરઃ ગાંધીનગરમાં 100થી વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ

ગાંધીનગરઃ મધ્ય પ્રદેશના ઇન્દોર બાદ હવે ગુજરાતમાંથી ગંદું પાણી પીવાને કારણે બાળકો બીમાર પડ્યાનો કેસ સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સપ્લાયને કારણે 100થી વધુ બાળકો બીમાર થયાં છે. જેમાંથી ઘણાં બાળકોને ટાઇફોઇડ થયો છે. સ્થિતિ એટલી બગડી કે સિવિલ હોસ્પિટલમાં બાળકોને દાખલ કરવા માટે નવો વોર્ડ ખોલવો પડ્યો છે.

પરિસ્થિતિ બગડી, એક બાળકીનું મોત

બીમાર બાળકોની સંખ્યા ઝડપથી વધતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધારાનો વોર્ડ શરૂ કરવો પડ્યો છે. હાલમાં 94 દર્દીઓની સારવાર સિવિલ હોસ્પિટલ તેમ જ સેક્ટર-24 અને 29ના અર્બન હેલ્થ સેન્ટર (UHC)માં ચાલી રહી છે. સારવાર બાદ 19 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ મામલામાં ટાઇફોઇડને કારણે એક છ વર્ષની બાળકીનું મોત પણ થયું છે. એ જ પરિવારનો બીજો બાળક સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. પરિવારનાં ચારેય બાળકોની તબિયત ખરાબ હોવાનું જાણવામાં મળ્યું છે.

આરોગ્ય ટીમોની તહેનાત

ગાંધીનગરના સેક્ટર 24, 26, 28 અને આદિવાડા વિસ્તારને સૌથી વધુ પ્રભાવિત માનવામાં આવે છે. અહીં સર્વે અને દેખરેખ માટે 75 આરોગ્ય ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધીમાં 20,800થી વધુ ઘરોમાં સર્વે કરીને આશરે 90,000 લોકોની તપાસ કરવામાં આવી છે. એ સાથે-સાથે પ્રભાવિત વિસ્તારોમાં 24×7 OPD સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે.

દવાઓનું વિતરણ

રોગની અટકાયત માટે પ્રશાસન દ્વારા 30,000  ટાઇફોઇડની ગોળીઓ અને 20,000થી વધુ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાણી ઉકાળીને જ પીવે અને સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારમાં નળોમાંથી પાણી નથી આવતું અને મોટર દ્વારા જે પાણી મળે છે તેમાં ભારે દુર્ગંધ આવે છે. લોકોનું માનવું છે કે આ દૂષિત પાણીને કારણે જ રોગ ફેલાયો છે. નગર નિગમે દાવો કર્યો છે કે સોમવાર સુધી 24 કલાક પાણીની સપ્લાય માટે સ્વિચઓવરનું કામ પૂર્ણ કરી લેવામાં આવશે.