‘અમે માણસ છીએ, મશીન નહીં’, શ્રેયસ ઐયરે હેડ કોચની ટીકા કરી

ભારતીય ક્રિકેટ ટીમના કાર્યકારી કેપ્ટન શ્રેયસ અય્યરે હેડ કોચ ગૌતમ ગંભીરના બેટ્સમેનોના નબળા પ્રદર્શન અંગેના નિવેદન સાથે અસહમતિ દર્શાવી છે. અય્યરે ન્યૂઝીલેન્ડની પિચનો બચાવ કરતાં કહ્યું કે અહીંની પરિસ્થિતિની સરખામણી દક્ષિણ આફ્રિકા સાથે કરી શકાય નહીં. આ સમગ્ર શ્રેણીમાં બંને ટીમના બોલરોએ પ્રભુત્વ જમાવ્યું હતું. ભારતે આ શ્રેણી 3-1થી જીતી હોવાથી અય્યરે કહ્યું કે તેમના માટે શ્રેણી જીતવી વધુ મહત્ત્વની હતી.

પિચ બોલરોને અનુકૂળ હોવાથી બેટ્સમેનોને મુશ્કેલી પડી: અય્યર

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શ્રેયસ અય્યરે કહ્યું કે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિઓ એકબીજાથી અલગ છે. બંને દેશોના હવામાન અને પિચમાં ઘણો તફાવત છે. ન્યૂઝીલેન્ડની પિચો બોલરોને વધુ અનુકૂળ હતી, જેના કારણે બંને ટીમના બેટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે ટીમનો મુખ્ય ઉદ્દેશ શ્રેણી જીતવાનો હતો અને તેમાં ભારત સફળ રહ્યું છે.

વિદેશી પિચ પર શોર્ટ બોલ સામે ફરી જોવા મળી નબળાઈ

શુભમન ગિલની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલા શ્રેયસ અય્યરનું બેટિંગ પ્રદર્શન આ પ્રવાસમાં ખાસ રહ્યું નથી. આ પછી શોર્ટ બોલ સામેની તેમની નબળાઈ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. વિદેશી પરિસ્થિતિમાં બેટિંગના પડકાર વિશે વાત કરતાં અય્યરે કહ્યું કે ત્યાં સેન્ટર વિકેટ પર પ્રેક્ટિસ કરવાની તક મળતી નથી. ખુલ્લા નેટ્સમાં પ્રેક્ટિસ કરવી પડે છે, જ્યાં મેચ જેવી પરિસ્થિતિનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે.

આ ઉપરાંત સતત મેચ રમવી અને પ્રવાસ કરવાથી થતી થાકની અસર પણ પ્રદર્શન પર પડે છે. અય્યરે કહ્યું કે, ‘અમે કોઈ રોબોટ કે મશીન નથી, અમે પણ માણસ છીએ.’
ખરાબ હારને ભૂલીને આગળ વધી હતી ટીમ

વનડે ક્રિકેટમાં પોતાની બીજી સૌથી મોટી હાર અંગે વાત કરતાં અય્યરે કહ્યું કે ટીમે તે હારને પાછળ છોડીને બીજા જ દિવસથી આગળ વધવાનું નક્કી કર્યું હતું. ટીમમાં એ વાતને લઈને વધારે ચર્ચા કરવામાં આવી નહોતી કે મેદાન પર શું ખોટું થયું હતું. અય્યરના મતે, તે માત્ર એક ખરાબ દિવસ હતો અને વિરોધી ટીમ પણ જીતવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરી હતી.

અય્યરે ન્યૂઝીલેન્ડના બોલર મેટ હેનરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તે દિવસે હેનરીની બોલિંગ શાનદાર અને ઘાતક હતી, જેના માટે ન્યૂઝીલેન્ડની ટીમને જીતનો સંપૂર્ણ શ્રેય મળવો જોઈએ.